રાજકોટ, 8 જાન્યુઆરી 2026: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સિક્સલેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અને રાજકોટ-અમદાવાદ વચ્ચે 200 કિમીના હાઈવે પર ચાર ટોલપ્લાઝા બનાવવામાં આવ્યા છે. જેમાં એક ટોલનાકું રાજકોટથી માત્ર 11 કીમી દૂર હીરાસર એરપોર્ટ પહેલા માલિયાસણ ગામ નજીક બનાવવામાં આવી રહ્યું છે. તેથી આ ટોલનાકા સામે લોકોનો વિરોધ ઊઠ્યો છે.
રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની સીમા પાસે નિર્માણ પામી રહેલું ટોલ પ્લાઝા દૈનિક 50 હજાર જેટલા વાહન ચાલકો માટે આર્થિક બોજ બનવાની સાથે પારાવાર ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થશે તેવી ભીતિ સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ શહેરના બસ સ્ટેશનથી 11 કિમી દૂર જ એરપોર્ટ પહેલાં જ ટોલનાકું બનાવવાની યોજનાને લઈ સ્થાનિકો, ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 4 વર્ષથી વિરોધ બાદ પણ આ ટોલનાકાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ છે અને માર્ચ-2026 પહેલા આ ટોલનાકું કાર્યરત થતા એરપોર્ટ જતા પ્રવાસીઓ, ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતો પર મોટો કરબોજ આવે તેમ હોવાથી આ ટોલનાકું એરપોર્ટ પછી લઈ જવાની માગણી કરવામાં આવી છે. જો સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર જનઆંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની તદ્દન નજીક ટોલ પ્લાઝા ઊભો કરવામાં આવી રહ્યો છે. જેનું સ્થળ અને આયોજન શહેરી હિતોને ધ્યાનમાં લીધા વગર નક્કી કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. આ ટોલ પ્લાઝાના કારણે 5 ગંભીર સમસ્યાઓ ઊભી થવાની છે. શહેરની સીમાની નજીક ટોલ પ્લાઝા ઉભુ કરવાથી દૈનિક પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગવાની પૂર્ણ શક્યતા છે. રાજકોટ શહેર પહેલેથી જ ટ્રાફિક દબાણનો સામનો કરી રહ્યું છે, તેમાં ટોલ પ્લાઝા ઉમેરાતા ટ્રાફિકજામ નિયમિત સમસ્યા બની જશે. વાહનો અચાનક ધીમા પડવાથી તથા લેન બદલાવના કારણે મોટા અકસ્માતોની સંભાવના પણ વધી જશે, જે જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે. ટોલ પ્લાઝાના કારણે એરપોર્ટ પર આવતા–જતા તમામ પ્રવાસીઓને સીધો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે. ટોલ ખર્ચનો ભાર ટેક્સી અને કેબ સંચાલકો દ્વારા ભાડામાં ઉમેરવામાં આવશે, જેના પરિણામે એરપોર્ટ સુધીનું પરિવહન મોંઘું બનશે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વ્યવસાયિક મુસાફરો માટે આ સ્થિતિ અત્યંત અયોગ્ય છે.

