Site icon Revoi.in

વડોદરા મ્યુનિ.માં વર્ષોથી નોકરી કરતા હેલ્થ વિભાગના કર્મીઓને કાયમી નહીં કરાતા વિરોધ

Social Share

વડોદરાઃ  મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફાઇલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા 554 કર્મચારીઓએ કાયમી ન કરાતા અસંતોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા  હેલ્થ વિભાગના કર્મચારીઓ મ્યુનિની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. અને સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદન પત્ર આપ્યું હતું. કર્મચારી મંડળે જણાવ્યું હતું કે, આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વડોદરા મ્યુનિના કર્મચારી મંડળના કહેવા મુજબ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં 11 માસના કરાર આધારિત ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ જેમાં 106 જેટલા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર તરીકે 448 કર્મચારીઓ મળી 554 જેટલા કર્મચારીઓ છેલ્લા આઠથી દસ વર્ષથી ફરજ બજાવે છે. આ કર્મચારીઓને અત્યાર સુધીમાં કોઈ પણ જાતના લાભો આપવામાં આવતા નથી. જેથી આ કર્મચારીઓને પીએફ તથા ઇએસઆઇનો લાભ સરકારના ધારા ધોરણ મુજબ મિનિમમ વેજીસનો લાભ, પગાર પાવતી જેવા લાભો મળે તે માટે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના એસસી-એસટી કર્મચારી સંઘના નેજા હેઠળ મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

કર્મચારી સંગઠનના અગ્રણી અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરને સ્વચ્છતામાં એકથી દસ નંબરે લાવવામાં ફાઇલેરીયા શાખાની મહત્વની ભૂમિકા છે. પરંતુ, છેલ્લા પંદર વર્ષથી કર્મચારીઓ કોન્ટ્રાકટમાં નોકરી કરી રહ્યા છે. પરંતુ તેઓને કાયમી કરવામાં આવતા નથી. તેમજ કોઇ લાભ આપવામાં આવતા નથી. અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. આતો શરૂઆત છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મ્યુનિના હેલ્થ વિભાગના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ કાયમી સહિતના વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવાની માગ સાથે મ્યુનિ. કચેરી બહાર ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

#Vadodara #MunicipalCorporation #HealthWorkers #EmployeeProtest #ContractWorkers #PublicHealth #PermanentEmployment #LabourRights #EmployeeDemands #VadodaraMunicipal #WorkerStrike #HealthDepartment #GovernmentJobs #EmploymentRights #ProtestNews

Exit mobile version