Site icon Revoi.in

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મહિનામાં એકવાર બોલાવવાના નિર્ણય સામે વિરોધ

Social Share

વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી મહિનામાં બેવાર સામાન્ય સભા મળે છે, જેમાં સત્તાધિરી અને વિપક્ષના સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજુઆત કરતા હોય છે. તેમજ શહેરના વિકાસના કામોની પણ ચર્ચા થતી હોય છે. ત્યારે હવે સામાન્ય સભા મહિનામાં બેવાર નહીં પણ એક જ વાર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સામે વિરોધનો સૂર ઊઠ્યો છે.

વડોદરા મ્યુનિ કોર્પોરેશનના પાંચ પદાધિકારી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી જેમાં ઝોન કક્ષાએ કોર્પોરેટરોના કામો થાય અને કોર્પોરેશનની સામાન્ય સભા મહિનામાં બે વખત મળે છે તેના બદલે એક વખત જ બોલાવવાનું નક્કી થયું હતું.  નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ જે દિવસે હોદ્દો અખત્યાર કર્યો તે દિવસે મેયર અને ચેરમેનને તેઓ મળ્યા હતા અને સંયુક્ત બેઠક બોલાવવા માંગણી કરી હતી જે આધારે મેયરએ મ્યુનિસિપલ કમિશનર સાથે પાંચ પદાધિકારીઓની બેઠક બોલાવી હતી આ બેઠકમાં મ્યુનિ.કોર્પોરેટરોના પ્રશ્નો બોર્ડ અને ઝોન કક્ષાએથી નિકાલ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અગાઉ ઝોન કક્ષાએ કોર્પોરેટરો અને ડેપ્યુટી કમિશનર તેમના સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક મળતી હતી તે પણ છેલ્લા કેટલાક સમયથી બંધ થઈ ગઈ છે ત્યારે ઝોન કક્ષાએ આ કામગીરી થવી જોઈએ તેવી ચર્ચા પણ થઈ હોવાનું જાણવા મળે છે.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં વર્ષોથી મહિનામાં એક કામોની મંજૂરી માટે અને બીજી ચર્ચાની સભા મળે તેવી પ્રણાલિકા રહેલી છે તે આ વખતે ફેરફાર કરવાની ચર્ચા પણ થઈ હતી જે અંગે ઉપરથી મળેલી સૂચના પ્રમાણે કામો અને ચર્ચાની બંને સભાને બદલે એક જ સભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે જે આધારે આગામી મહિનાથી મ્યુનિ. કોર્પોરેશનની પ્રજાના પ્રશ્નો માટે મળતી સભા મહિનામાં એક જ વખત મળશે અને વર્ષો જૂની પ્રણાલિકા તૂટશે તેમ જાણવા મળે છે.

Exit mobile version