Site icon Revoi.in

ધોળકામાં પાવર સબ સ્ટેશન માટે ખેડુતોની મંજુરી વિના જમીન સંપાદન કરાતા વિરોધ

Social Share

અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના મોટીબરૂ ગામ નજીક પાવર સબ સ્ટેશન બનાવવા માટે ખેડુતોની 262 વિઘા ફળદ્રુપ જમીન ખેડુતોનો વિરોધ હોવા છતાંયે સંપાદન કરવામાં આવી છે. આથી ખેડુતોએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દેખાવો કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયાના 765 કિલો વોટ સબ સ્ટેશન બાંધકામ માટે તેમની ખેતીની જમીન સંપાદન કરવા સામે વાંધા અરજી આપી હતી.

ધોળકા તાલુકાના મોટીબરૂ ગામના ખેડુતોના જણાવ્યા મુજબ જમીન સંપાદન માટે ખેડુતોને આગોતરી કોઈ જાણ કરવામાં આવી નથી. મોટીબરૂ ગામમાં પાવર સ્ટેશન માટે જમીન સંપાદનને લઈને અખબારોમાં છપાયેલી નોટિસ દ્વારા માહિતી મળી હતી. સરકાર દ્વારા ખેડૂતોને મંજૂરી વગર જમીન સંપાદિત કરાઈ હોવાનો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે, અગાઉ મુખ્યમંત્રીને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. છતાંયે સરકાર જમીન સંપાદન કરવા મક્કમ બની છે.

ખેડુતોએ જણાવ્યું તું કે, આ પ્રોજેક્ટ સરકારી પડતર જમીન ઉપર કરવો જોઈએ. આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની 262 વીઘા જેટલી ઉપજાઉ જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. જ્યારે સરકારી પડતરની જમીન ખાલી જમીન હોવા છતાં સરકારી કર્મચારીઓએ ત્યાં પાણી ભરાતું હોવાનુ ખોટુ સોગંદનામુ સરકારમાં કર્યું છે અને સરકારને ગેરમાર્ગે દોરી છે. ખેડૂતોએ આપેલી અરજીમાં ગૂગલ મેપના ફોટા પણ જોડ્યા હતા. આ મુદ્દો તેમની રોજી રોટી સાથે સંકળાયેલો છે. અગાઉ પણ વીજળી અને રોડ જેવા પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદિત થતા તેમના ખેતર નાના બન્યા હોવાનો દાવો ખેડૂતોએ કર્યો હતો. ત્યારે આ નવા પ્રોજેક્ટથી તેમની ખેતીની જમીન પહેલા કરતા પણ વધુ નાની બનવાથી ખેડુતો વધુ મુશ્કેલીમાં મુકાશે. તેથી તેઓ પોતાની જમીન પ્રોજેક્ટ માટે આપવા માંગતા નથી. કલેકટરને આપેલી અરજીની નકલ તેમને વડાપ્રધાન, મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, મહેસુલ સચિવ વગેરેને પણ મોકલી આપી હતી.