Site icon Revoi.in

વડોદરામાં મ્યુનિના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ભાજપના ઝંડા માટે કામે લગાડાતા વિરોધ

Social Share

વડોદરાઃ શહેરમાં આવતી કાલે 14મી ઓક્ટોબરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ દ્વારા બન્ને મહાનુભાવોને આવકારવા માટે શહેરમાં ભાજપના ઝંડા લગાવવામાં આવી રહ્યા છે. જેમાં વીજળીના થાંભલા પર ભાજપના ઝંડા લગાવવા માટે મ્યુનિના સ્ટ્રીટ લાઈટ વિભાગના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને કામે લગાડવામાં આવતા કોંગ્રેસે વિરોધ કરીને આકરા પ્રહાર કર્યાં છે.

વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ વિભાગના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ રાજકીય પક્ષના પ્રચારના કામમાં લાગ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ગઈકાલે રવિવારે મોડી રાત્રે એરપોર્ટ સર્કલ પાસે વોર્ડ નંબર 13ના સ્ટ્રીટ લાઈટ વિભાગના કોન્ટ્રાક્ટરના છ જેટલા કર્મચારીઓ બે ટેમ્પોમાં ભાજપના ઝંડા લઈને આવ્યા હતા. અને વીજ પોલ ઉપર ભાજપના ઝંડા લગાવતા જોવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, વોર્ડ નંબર 13ના કર્મચારીઓ વોર્ડ નંબર 4 અને 7ની હદમાં આ કામગીરી કરી રહ્યા હતા.

આ અંગે યુવક કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તાએ જણાવ્યુ હતું કે, મ્યુનિ. ‘કોર્પોરેશનના કર્મચારીઓએ નાગરિક સુવિધાઓની કામગીરી છોડીને ભાજપના પ્રચારમાં ઝંપલાવ્યું છે, જે સ્પષ્ટ રીતે શાસન સંહિતાનો ભંગ છે. સ્ટ્રીટ લાઈટ સંબંધિત નાગરિકોની ફરિયાદો ઉકેલવાના સ્થાને કર્મચારીઓ ભાજપના ઝંડા લગાવવાની રાજકીય ફરજ બજાવી રહ્યા છે, જે નિંદનીય બાબત છે.