Site icon Revoi.in

અલંગ શિપ યાર્ડ આસપાસના વિસ્તારોમાં દબાણો હટાવાયા બાદ જમીન ફાળવણી અંગે લોકચર્ચા

Social Share

ભાવનગરઃ જિલ્લાનો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના આસપાસના વિસ્તારોમાં વર્ષોથી થયેલા દબાણો દુર કરવામાં આવ્યા છે. અલંગ યાર્ડની આજુબાજુ અને મણાર ગામની ગૌચર, સરકારી પડતર જમીનો વર્ષોથી વાણિજ્ય, રહેણાંકી અને ધાર્મિક દબાણ તળે દબાયેલી હતી. ભૂતકાળમાં અનેક વખત આવી જમીનો ખાલી કરાવવાના કાગળ પર પ્રયાસ થયેલા છે, પરંતુ નિરર્થક નિવડ્યા હતા. ત્યારે ગયા સોમવારથી પોલીસના સઘન બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  એકાએક દબાણો હટાવાતા લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે. સરકાર દ્વારા કોઈ ઉદ્યોગ ગૃહને જમીન આપવામાં આવે તેવી શક્યતા છે.

અલંગમાં શિપ રીસાયકલિંગ પ્લોટની સામે આવેલી સરકારી જમીનો પર સંખ્યાબંધ લોકોએ  વર્ષોથી દબાણો ખડકેલા છે, તે પૈકી 91 લોકોએ પહેલા અને પછીના ક્રમે 15 એમ કુલ 106 લોકોએ કોર્ટમાં ન્યાય માટે પ્રક્રિયા હાથ ધરેલી છે, તે સિવાયના દબાણકારોના વીજ મીટર ઉતારી લેવાની પણ કાર્યવાહી સંબંધિત સરકારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, અને મોટાભાગના દબાણકારો સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ હટાવી રહ્યા છે. આ પ્રક્રિયા તળે પરપ્રાંતિય કામદારોની ખોલીઓ પણ ઝપટે ચડી ગઇ છે અને તેઓના માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે તળાજા મામલતદાર કચેરી, જીએમબી અને શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ શિપ રીસાયકલિંગ ઉદ્યોગકારો માટે બેકયાર્ડ અને ચાર-પાંચ પ્લોટની સંયુક્ત કામદાર આવાસ યોજના પ્લોટની સામેની ભાગની જમીનો પર બનાવવા માટેની દરખાસ્ત હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિનિધિ મંડળ જ્યારે અલંગની મુલાકાતે આવતા ત્યારે પ્લોટની સામેની બાજુએ પડદા, પાટીયા મારવામાં આવતા. હવે જ્યારે મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે દેશના મોટા ઉદ્યોગગૃહો દ્વારા શિપ રીસાયકલિંગ ઉદ્યોગ અને આસપાસની જમીનો કબજે લેવા સરકારી તંત્રના ખભે બંધૂક ફોડવામાં આવી રહી હોવાની લોક ચર્ચા થઈ રહી છે.  જો કે, આવી વાતોને સંબંધિત સરકારી વિભાગોએ નકારી કાઢી છે.

Exit mobile version