
પંજાબઃ પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યું, BSFએ તોડી પાડ્યું
નવી દિલ્હીઃ પાકિસ્તાન બોર્ડર પર દરરોજ કોઈને કોઈ કૃત્ય કરતું રહે છે. હવે પંજાબમાં બોર્ડર પર પાકિસ્તાની ડ્રોને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સરહદ ઉપર જવાનો તૈનાત સુરક્ષા જવાનોએ ગોળીબાર કરીને તેને તોડી પાડ્યું હતું. આ બનાવને પગલે સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
BSFના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રોને તરનતારન જિલ્લાના ફિરોઝપુર સેક્ટરમાં પાકિસ્તાન સાથેની સરહદની ભારતીય બાજુમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કરીને તેને તોડી નાખ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે, રાતના પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. આ પછી તેનો કાટમાળ એક ખેતરમાંથી મળી આવ્યો હતો. આ સિઝનમાં ધુમ્મસનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનથી ડ્રગ્સની દાણચોરી કરવામાં આવે છે. ભારતીય સરહદમાં દરરોજ પાકિસ્તાની ડ્રોન જોવા મળતુ હોવાની ફરિયાદો ઉઠી છે.
તાજેતરમાં, પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકમાં સ્થિત BSFની ચંદુ વડાલા ચોકી પાસે એક શંકાસ્પદ ડ્રોન પણ જોવા મળ્યું હતું. જેના પર ભારતીય સૈનિકોએ ગોળીબાર કર્યા બાદ ડ્રોન પાકિસ્તાની વિસ્તારમાં ફરી ગયું હતું. અગાઉ પણ ભારતીય સરહદ ઉપર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે, જો કે, મોટાભાગના કેસમાં સુરક્ષા જવાનોએ તોડી પાડ્યું છે અથવા ફાયરિંગની ઘટનાને પગલે ડ્રોન પરત પાકિસ્તાન જતુ રહ્યાંનું સામે આવ્યું હતું. સરહદ ઉપર પાકિસ્તાનની ચાંચિયાગીરીને પગલે સુરક્ષા જવાનો વધારે સતર્ક બન્યાં છે. તેમજ બોર્ડર ઉપર રાઉન્ડ ધ પેટ્રોલીંગ કરવામાં આવી રહી છે.