- ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ સામેની ફાઈનલ મેચમાં પંજાબ પોલીસનો વિજય,
- ગુજરાતના પોલીસ વડાની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજાઈ
- ટૂર્નામેન્ટમાં પોલીસ અને પેરા મિલ્ટ્રી ફોર્સની 32 જેટલી મેન -વુમન ટિમોએ ભાગ લીધો
રાજકોટઃ શહેરમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટ યોજાતા પોલીસ વિભાગની દેશભરની ટીમોએ ભાગ લીધો હતો. રવિવારને 14 ડિસેમ્બરે ટૂર્નામેન્ટનો અંતિમ દિવસ હતો. જેમાં પંજાબ અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ વચ્ચે ફાઇનલનો જંગ જામ્યો હતો. ફાઇનલ મેચમાં 4-1થી પંજાબ પોલીસની ભવ્ય જીત થઈ હતી. ટૂર્નામેન્ટના અંતિમ દિવસે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ક્લોઝિંગ સેરેમની પણ યોજવામાં આવી હતી, જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું 4થી ડિસેમ્બરથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે રાજ્યના ડીજીપી વિકાસ સહાય, આર્મના ડીજીપી રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઓપનીંગ સેરેમની ડીજીપીના હસ્તે થઈ હતી. આ પછી સતત 10 દિવસ અલગ-અલગ 32 ટીમો વચ્ચે 56 મેચ રમાઈ હતી, જેમાં યુપી અને આઈટીબીપી તેમજ પંજાબ અને બીએસએફની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પંજાબ અને આઈટીબીટી વિજય થતાં આજ રોજ બંને ટીમ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી. જેનો પ્રારંભ આ બપોરે 1.30 વાગ્યે રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ ઉપસ્થિતિમાં થયો હતો.
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ અને પંજાબ પોલીસ વચ્ચે રમાઈ હતી. જેમાં બન્ને ટીમના ખેલાડીઓએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે રોમાંચક મેચના અંતે 4-1 ગોલથી પંજાબ પોલીસ ટીમનો ભવ્ય વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે આજની ફાઇનલ મેચમાં પંજાબની ટીમમાં નેશનલ કક્ષાએ હોકી રમતમાં જાણીતા ત્રણ-ત્રણ ખેલાડી રમતા નજરે પડ્યા હતા, જેમાં આકાશદીપ, શમશેરસિંઘ અને ધરમવીરસિંઘનો સમાવેશ થાય છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, આમ્પર્સના ડીજીપી રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં દેશભરની પોલીસ તેમજ પેરા મિલ્ટ્રી ફોર્સની કુલ 32 જેટલી મેન વુમન ટિમો ભાગ લીધો હતો.

