Site icon Revoi.in

ગુજરાતમાં 21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા. 21મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પી.એમ. આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે.

ચણા અને રાયડાની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની રવિ સીઝન દરમિયાન ચણા માટે રૂ. ૫,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૩૦ પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ. ૫,૯૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૯૦ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો. જેથી રાજ્યના ખેડૂતોએ ચણા અને રાયડાનું નિશ્ચિંત થઈને પુષ્કળ વાવેતર કર્યું હતું. ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી
કરાવી છે.

નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા ૧૭૯ ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા ૮૭ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂ. ૧,૯૦૩ કરોડના મૂલ્યનો કુલ ૩.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો કુલ ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.

Exit mobile version