Homeગુજરાતીદેશ-વિદેશરશિયામાં પુતિનનો દબદબો યથાવત: 355 સીટો સાથે મેળવી પ્રચંડ બહુમતી

રશિયામાં પુતિનનો દબદબો યથાવત: 355 સીટો સાથે મેળવી પ્રચંડ બહુમતી

મોસ્કો, 21 સપ્ટેમ્બર 2026: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમર્થિત ‘યુનાઇટેડ રશિયા’ પાર્ટીએ દેશની સંસદીય ચૂંટણીમાં બમ્પર બહુમતી હાસિલ કરી છે. રશિયન સંસદ (સ્ટેટ ડ્યુમા) ની કુલ 450 સીટોમાંથી પુતિનની પાર્ટીએ રેકોર્ડ 355 સીટો પર કબ્જો જમાવ્યો છે. ‘એસોસિએટેડ પ્રેસ’ ના રિપોર્ટ મુજબ, સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના 95 ટકાથી વધુ પોલિંગ સ્ટેશનોના પરિણામો દર્શાવે છે કે ક્રેમલિનની શાસક પાર્ટીએ આ વખતે અત્યાર સુધીનો સૌથી મોટો વિજય નોંધાવ્યો છે.

સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના ચેરપર્સન એલા પમફિલોવાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક પરિણામો મુજબ ‘યુનાઇટેડ રશિયા’ ને 450 માંથી 355 સીટો મળી છે, જે પાર્ટીના ઈતિહાસનો સૌથી મોટો આંકડો છે. કુલ 450 સીટોમાંથી 335 સીટો પાર્ટી લિસ્ટ માટે હતી, જેમાં ‘યુનાઇટેડ રશિયા’ ને 58 ટકા જેટલા વોટ મળ્યા છે. જ્યારે બાકીની ૨૨૫ સીટો સિંગલ-બેલેટ મુકાબલા માટે હતી, જેમાં પાર્ટીના ઉમેદવારો 208 સીટો પર વિજેતા બન્યા છે.

ફેબ્રુઆરી 2022 માં યુક્રેન સાથે શરૂ થયેલા યુદ્ધ બાદ આ રશિયાની પ્રથમ સંસદીય ચૂંટણી હતી. રાષ્ટ્રપતિ પુતિને આ ચૂંટણીને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થન સાથે જોડીને રજૂ કરી હતી. આ અગાઉ 2021 ની સંસદીય ચૂંટણીમાં ‘યુનાઇટેડ રશિયા’ પાર્ટીને 450 માંથી 324 સીટો મળી હતી.

આ ચૂંટણીમાં યુદ્ધ-વિરોધી પક્ષ ‘યાબ્લોકો’ ને ચૂંટણી લડવાથી રોકવામાં આવ્યો હતો, જોકે તેના કેટલાક નેતાઓને વ્યક્તિગત ધોરણે ચોક્કસ સીટો પરથી લડવાની છૂટ અપાઈ હતી. આ વખતે સમગ્ર રશિયામાં કુલ 56.66 ટકા મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતે ‘યુનાઇટેડ રશિયા’ ના ઔપચારિક સભ્ય નથી, પરંતુ 2008 થી 2012 સુધી તેઓ આ પક્ષના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

  • યુક્રેનના ડ્રોન હુમલા વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ

ચૂંટણીના અંતિમ દિવસે રવિવારે યુક્રેન દ્વારા મોસ્કો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને 1600 થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને દાવો કર્યો હતો કે માત્ર રાજધાની મોસ્કોને નિશાન બનાવીને 450 જેટલા ડ્રોન મોકલવામાં આવ્યા હતા. છતાં ભારે સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular