નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર, 2026 – ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વેપાર સમજૂતી આવતા મહિને લાગુ થશે. આ અંગેની જાહેરાત આજે વાણિજ્ય મંત્રીએ કરી હતી. અહેવાલ અનુસાર, તહેવારોની સિઝનમાં ભારતીય અર્થતંત્ર અને નિકાસકારો માટે એક મોટા અને ઐતિહાસિક સમાચાર આવ્યા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે સોમવારે જાહેરાત કરી હતી કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) 20 ઓક્ટોબર, 2026 એટલે કે વિજયાદશમી (દશેરા)ના શુભ દિવસથી અમલમાં આવશે. નવી દિલ્હીમાં વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ દરમિયાન ન્યૂઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેક્લે સાથે આ ઐતિહાસિક સમજૂતીની અંતિમ તારીખ પર મહોર મારવામાં આવી હતી.
આ મુક્ત વેપાર સમજૂતીની સૌથી ખાસ વાત એ છે કે ન્યૂઝીલેન્ડમાં ભારતથી મોકલવામાં આવતા 100% સામાન પર હવે કોઈ પણ કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. અગાઉ ન્યૂઝીલેન્ડમાં ભારતીય ચીજવસ્તુઓ જેવી કે કાર, ઓટો કમ્પોનન્ટ્સ, ગાલિચા, સિરામિક અને ટેક્સટાઇલ પર 10% સુધીનો ભારે ટેરિફ લાગતો હતો. હવે 20 ઓક્ટોબરથી આ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે, જેનાથી ભારતીય કાર, ઓટો પાર્ટ્સ અને પરંપરાગત ઉદ્યોગો ન્યૂઝીલેન્ડના બજારોમાં ખૂબ જ સસ્તા થઈ જશે.
20th October, 2026.
A new chapter unlocks in the India-New Zealand economic partnership. 🇮🇳🇳🇿 pic.twitter.com/JuDTnDyDCP
— Piyush Goyal (@PiyushGoyal) September 21, 2026
દ્વિપક્ષીય વેપાર ₹35,000 કરોડ કરવાનો લક્ષ્યાંક
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ડીલનો હેતુ આગામી 4 થી 5 વર્ષમાં બંને દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓના કુલ વેપારને વધારીને લગભગ 4 અબજ ડૉલર એટલે કે ₹35,000 કરોડ સુધી પહોંચાડવાનો છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો, જે છેલ્લા ચાર દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હતી. આ પ્રવાસે વાટાઘાટોને આખરી ઓપ આપવાનું અને બંને દેશોના સંબંધોમાં મજબૂત રાજકીય ગતિ પ્રદાન કરવાનું કામ કર્યું.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને પણ ઉત્સાહ વ્યક્ત કર્યો
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આ કરારનું સ્વાગત કરતા કહ્યું કે તેમની સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં ભારત સાથે ફ્રી ટ્રેડ ડીલ કરવાનો જે વાયદો કર્યો હતો તે પૂરો કરી દીધો છે. આંકડા મુજબ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2023-24માં 873 મિલિયન ડૉલરથી વધીને 2024-25માં 1.3 અબજ ડૉલર થયો છે, જેમાં 49%નો સરસ વધારો નોંધાયો છે. દશેરાથી અમલમાં આવવા જઈ રહેલી આ સમજૂતી ન માત્ર ભારતીય ટેક્સટાઇલ, ફાર્મા અને IT સેક્ટરને નવી ઊંચાઈઓ આપશે, પરંતુ દેશમાં લાખો રોજગારીની નવી તકો પણ ઊભી કરશે.


