નવી દિલ્હી, 3 નવેમ્બર 2026: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુર રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ સઘન સમીક્ષા (SIR) ની પ્રક્રિયા પૂર્ણ થતાં જ મોટા આંકડા સામે આવ્યા છે. આ પાંચેય રાજ્યોમાં SIR પ્રક્રિયા બાદ મતદારોની સંખ્યામાં 13.24 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચ અને રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ પાંચ રાજ્યોમાં વોટર્સની કુલ સંખ્યા અંદાજે 18.71 કરોડ હતી, જે ઘટીને હવે 16.43 કરોડ રહી ગઈ છે. આમ, કુલ 2.29 કરોડ વોટર્સ ઓછા થયા છે, જે આશરે 12.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે આ પાંચેય રાજ્યોમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.
રાજ્યવાર મતદારોની સ્થિતિ અને ઘટાડાના મુખ્ય આંકડા
આ પાંચ રાજ્યોમાં સૌથી મોટો પ્રભાવ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો છે, જ્યાં કુલ ઘટાડાનો અંદાજે 90 ટકા હિસ્સો નોંધાયો છે. યુપીમાં SIR ની કામગીરી બીજા તબક્કામાં થઈ હતી, જ્યાં રિવિઝન પહેલા રાજ્યમાં 15.44 કરોડ વોટર્સ હતા. ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં આ આંકડો ઘટીને 12.56 કરોડ રહી ગયો હતો, જોકે અંતિમ યાદીમાં સુધારા બાદ તે વધીને 13.40 કરોડ થયો છે. આમ છતાં, યુપીની મતદાર યાદીમાંથી 2.04 કરોડથી વધુ વોટર્સ કમી થયા છે, જે કુલ મતદારોના આશરે 13.24 ટકા છે અને પાંચેય રાજ્યોમાં સૌથી મોટો ઘટાડો છે. અહીં ડ્રાફ્ટ લિસ્ટમાંથી અંદાજે 2.89 કરોડ નામ હટાવાયા હતા, જેમાંથી આશરે 84 લાખ એટલે કે 29 ટકા નામ ફરીથી જોડવામાં આવ્યા હતા.
પંજાબમાં ત્રીજા તબક્કામાં SIR હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ડ્રાફ્ટમાં મતદારોની સંખ્યા 2.15 કરોડથી ઘટીને 1.94 કરોડ થઈ હતી અને અંતિમ યાદીમાં તે 2.01 કરોડ રહી હતી. રાજ્યમાં કુલ ઘટાડો અંદાજે 14 લાખ એટલે કે 6.34 ટકા જેટલો રહ્યો છે. પંજાબમાં સૌથી સારો રિકવરી રેટ જોવા મળ્યો, જ્યાં ડ્રાફ્ટમાંથી હટાવાયેલા અંદાજે 21 લાખ મતદારોમાંથી લગભગ 7 લાખ મતદારો લિસ્ટમાં ફરીથી જોડવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડમાં પણ ત્રીજા તબક્કામાં મતદાર યાદીનું SIR થયું હતું, જ્યાં વોટર્સની સંખ્યા 80 લાખથી ઘટીને 71 લાખ થઈ ગઈ હતી અને અંતિમ યાદીમાં તે 72 લાખ નોંધાઈ હતી. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યામાં અંદાજે 8 લાખ એટલે કે 10.07 ટકાનો ઘટાડો થયો છે. અહીં હટાવાયેલા નામોમાંથી માત્ર 0.0025 કરોડ નામ જ પાછા જોડાઈ શક્યા, જે લિસ્ટમાંથી હટાવાયેલા કુલ નામોના આશરે 3 ટકા જેટલા થાય છે.
-
ચૂંટણી પંચની વિશેષ પહેલ અને આગામી ચૂંટણીઓ
મણિપુરમાં પણ ત્રીજા તબક્કામાં જ પુનરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં મતદારોની સંખ્યા 20.9 લાખથી ઘટીને 19.3 લાખ થઈ અને અંતિમ યાદીમાં 19.6 લાખ રહી હતી. આ પ્રક્રિયાથી રાજ્યમાં 6.33 ટકા મતદારો ઓછા થયા છે, જે પંજાબની લગભગ બરાબર છે. આંકડા મુજબ, ડ્રાફ્ટ લિસ્ટથી હટાવાયેલા અંદાજે 17 ટકા નામ ફરીથી જોડવામાં આવ્યા હતા.
ગોવામાં બીજા તબક્કામાં SIR કરવામાં આવ્યું હતું, જ્યાં મતદારોની સંખ્યા 11.85 લાખથી ઘટીને 10.85 લાખ અને અંતિમ યાદીમાં વધુ ઘટીને 10.58 લાખ રહી ગઈ છે. ગોવામાં કુલ ઘટાડો અંદાજે 1.3 લાખ અથવા 10.76 ટકા વોટર્સનો રહ્યો છે. આ પાંચેય રાજ્યોમાં ગોવા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં અંતિમ વોટર લિસ્ટમાં ડ્રાફ્ટ લિસ્ટની સરખામણીએ પણ ઓછા નામ છે અને ત્યાં હટાવાયેલા નામોની કુલ સંખ્યામાં કોઈ વધારો થયો નથી.
-
વિધાનસભા ગૃહનો કાર્યકાળ
ચૂંટણી પંચે તાજેતરમાં 17 રાજ્યમાં SIR નો આદેશ આપતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે આ પાંચ રાજ્યોમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ શકે છે. આ વિશેષ પ્રક્રિયાથી અગાઉ છૂટી ગયેલા નાગરિકોને વોટર લિસ્ટમાં નામ સામેલ કરવાની તક મળી છે અને 1 જાન્યુઆરી કે તેથી પહેલાં 18 વર્ષની વય પૂર્ણ કરનાર યુવાનો પણ આ યાદીમાં જોડાઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
બંધારણીય જોગવાઈઓ અને ‘પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950’ના નિયમો હેઠળ, ઉત્તર પ્રદેશ વિધાનસભા (403 સભ્યો) નો કાર્યકાળ આગામી 22 મે ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે 60 સભ્યોવાળી મણિપુર, 40 સભ્યોવાળી ગોવા, 117 સભ્યોવાળી પંજાબ અને 70 સભ્યોવાળી ઉત્તરાખંડ વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2027 માં અલગ-અલગ તારીખો પર પૂરો થશે. ચૂંટણી પંચ પાસે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાના 6 મહિના અગાઉ ચૂંટણી કરાવવાની સત્તા રહેલી છે.


