
- ક્વોરીના મોટાભાગની લીઝના ATR લોક કરાયા,
- GPS સિસ્ટમની અમલીકરણથી પણ નારાજગી,
- 2જી ઓકટોબરથી સાગમટે હડતાળ પર જવાની ચીમકી
અમદાવાદઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યમાં ક્વોરી ઉદ્યોગમાં મોટા ભાગની લીઝના એટીઆર લોક કરી દેવાતાં છેલ્લા ઘણા સમયથી ક્વોરી ઉદ્યોગો બંધ જેવી હાલતમાં છે. ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોના ઉકેલ માટે તાજેતરમાં ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો ક્વોરી ઉદ્યોગના વાજબી પ્રશ્નોનો ઉકેલ સત્વરે લાવવામાં નહીં આવે તો 2જી ઓકટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ક્વોરી ઉદ્યોગના ગુજરાતના તમામ જિલ્લાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠક બાદ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે, ઇસીના કારણે ગુજરાતમાં મોટા ભાગની લીઝના એટીઆર લોક કરાયા છે તથા અન્ય નાના મોટા કારણો દર્શવાી રોયલ્ટી પેપર આપવાનું બંધ કરાયું છે. આ અંગે અગાઉ સરકાર દ્વારા લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ તે મુદ્દાઓ આજદિન સુધી જેમ છે તે જ સ્થિતિમાં છે. આ ઉપરાંત જીપીએસ સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે. તમામ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સમક્ષ ત્રણ માસ અગાઉ રજૂઆત કરાઇ હતી પણ હજુ સુધી કોઇ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આથી આગામી તા. 2/10 સુધી જો માગણીઓ નહીં સંતોષાય અને યોગ્ય ઉકેલ નહીં આવે તો દ્વારકા મુકામે ભગવાન દ્વારિકાધિશના ચરણોમાં શીશ ઝુકાવીને અચોક્કસ મુદ્દત માટે ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડશે તેવું સર્વાનુમતે ઠરાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છમાં 95 અને પશ્ચિમમાં 55 ક્વોરી વિવિધ સમસ્યાને લઇને બંધ પડી છે.