નવી દિલ્હી : બિહારમાં ગુરુવારે થનારી મતદાન પ્રક્રિયા પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે. તેમણે હરિયાણાની ચૂંટણીમાં અનિયમિતતાઓ થયાનો દાવો કરીને જણાવ્યું હતું કે, “કોંગ્રેસની જીતને ભાજપની જીતમાં ફેરવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.” રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ અને દેશની લોકશાહી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધીએ વર્ષ 2024માં હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 25 લાખ વોટની ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે જનરેશન-ઝેડનું ભવિષ્ય નષ્ટ કરવામાં આવી રહ્યું છે. “હું ઈચ્છું છું કે ભારતના યુવાનો આ બાબતને સારી રીતે સમજે, કારણ કે આ તમારા ભવિષ્યનો સવાલ છે.” રાહુલના કહેવા મુજબ કોંગ્રેસે હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને છત્તીસગઢમાં મતચોરીના પુરાવા પકડ્યા છે.
તેમણે જણાવ્યું કે, હરિયાણાના ચૂંટણી ઈતિહાસમાં પહેલી વાર ડાકથી પડેલા મત અને વાસ્તવિક મતદાનમાં તફાવત જોવા મળ્યો હતો. “આ પહેલાં ક્યારેય બન્યું નહોતું. જયારે મેં આંકડા જોયા ત્યારે મને વિશ્વાસ જ નહોતો થયો,” એમ રાહુલે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “અમારી ટીમે દરેક ડેટાને અલગ અલગ સ્ત્રોતોથી ડબલ ચેક કર્યો છે.”
રાહુલ ગાંધીએ ચોંકાવનારા આક્ષેપ કરતા કહ્યું કે, એક મહિલાએ 223 વાર મત આપ્યો હતો, જ્યારે એક પુરુષે 14 વાર મત આપ્યો હતો. “નકલી ફોટાવાળા મતદારોની સંખ્યા એક લાખથી વધુ છે. ચૂંટણી પંચ આવા ડુપ્લિકેટ નામો કેમ નથી દૂર કરતા? કારણ કે તેમને નિષ્પક્ષ ચૂંટણી કરવી નથી.” તેમણે દાવો કર્યો કે હરિયાણાની મતદાર યાદીમાં દર આઠમાં એક મતદાર બોગસ છે.
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ એક્સ પર લખ્યું, “હાઇડ્રોજન બમ લોડિંગ.” 1 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાદેવપુરા અંગે તેમણે માત્ર “એટમ બમ” બતાવ્યો હતો, હવે “હાઇડ્રોજન બમ” આવશે. રાહુલ ગાંધીએ મતચોરીને માત્ર ચૂંટણી નહીં, પરંતુ સામાન્ય લોકોના અધિકારો, રોજગાર, શિક્ષણ અને લોકશાહીની ચોરી ગણાવી હતી. તેમણે કહ્યું કે, “ચૂંટણી પંચ અમને વિડીયો અને મતદાર યાદી આપતુ નથી, છતાં અમે દેશ સમક્ષ પુરાવા રજૂ કર્યા છે. મતચોરી એટલે આપણા અધિકાર અને લોકશાહીનો અપરાધ.” રાહુલ ગાંધીએ અંતે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે, “હાઇડ્રોજન બમ પછી નરેન્દ્ર મોદી દેશને પોતાનો ચહેરો પણ બતાવી નહીં શકે.”

