રેલ્વેનો નિર્ણય: UDID કાર્ડ ધારક દિવ્યાંગો પણ રિઝર્વેશન વગરના સ્પેશિયલ કોચમાં મુસાફરી કરી શકશે
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: ભારતીય રેલ્વેએ દિવ્યાંગ મુસાફરો (PwDs) માટે મુસાફરી વધુ સરળ બનાવતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રેલ્વે બોર્ડના નવા આદેશ અનુસાર, હવે જે દિવ્યાંગો પાસે માન્ય Unique Disability ID (UDID) કાર્ડ છે, તેઓ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવેલા અનરિઝર્વ્ડ (બિન-અનામત) કોચમાં મુસાફરી કરી શકશે.
અત્યાર સુધી, ટ્રેનના ખાસ દિવ્યાંગ કોચ (SLRD/LSLRD) માં મુસાફરી કરવા માટે રેલ્વે દ્વારા જારી કરાયેલું અલગ ‘ફોટો આઈડેન્ટિટી કાર્ડ’ હોવું જરૂરી હતું. પરંતુ હવે સરકારે કેન્દ્રીય સ્તરે જારી કરાયેલા UDID કાર્ડને પણ માન્યતા આપી દીધી છે.
હવે દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ (DEPwD) દ્વારા જારી કરાયેલું UDID કાર્ડ ધરાવતા મુસાફરોને ‘બોનાફાઇડ પેસેન્જર’ (માન્ય મુસાફર) ગણવામાં આવશે. આ મુસાફરો ટ્રેનમાં સામાન અને બ્રેક વાન સાથે જોડાયેલા દિવ્યાંગો માટેના ખાસ ડબ્બાઓમાં બેસી શકશે. રેલ્વેના તમામ ઝોનલ મેનેજરોને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે જેથી દિવ્યાંગોને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.
રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે દિવ્યાંગો માટે ફાળવેલા આ કોચમાં જો કોઈ સામાન્ય કે બિનધિકૃત મુસાફર મુસાફરી કરતો જોવા મળશે, તો તેમની સામે રેલ્વે એક્ટ, 1989 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત, રેલ્વેએ દિવ્યાંગો માટે વ્હીલચેર, બેટરી સંચાલિત વાહનો અને ‘યાત્રી મિત્ર સેવા’ જેવી સુવિધાઓને પણ વધુ સુદ્રઢ બનાવવાની ખાતરી આપી છે. આ પગલાથી લાખો દિવ્યાંગ મુસાફરોને હવે રેલ્વેના અલગ કાર્ડ કઢાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
વધુ વાંચો: IPL: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 99 રનથી હરાવ્યું, તિલક વર્માની સદી


