સાંજની ભૂખ માટે બેસ્ટ છે આ 5 હેલ્ધી સ્નેક્સ: સ્વાદ સાથે આરોગ્ય પણ જળવાશે, જાણો ઝટપટ બનતી રેસિપી
દિવસભરની ભાગદોડ પછી સાંજના સમયે નાની-મોટી ભૂખ લાગવી સ્વાભાવિક છે. આ સમયે મોટાભાગે લોકો ચા સાથે બિસ્કિટ, વેફર્સ કે તળેલો નાસ્તો પસંદ કરતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે સાંજની આ ‘ઇવનિંગ ક્રેવિંગ’ ને શાંત કરવા માટે કંઈક ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા છો, તો ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીમાંથી ઝટપટ તૈયાર થઈ શકે તેવી 5 શાનદાર વાનગીઓ અહીં પ્રસ્તુત છે:
- પ્રોટીનથી ભરપૂર ‘ચણા ચાટ’
સાંજની ભૂખને સંતોષવા માટે ચણા ચાટ એક પરફેક્ટ ઓપ્શન છે. આ માટે કાળા ચણાને દિવસ દરમિયાન જ પલાળીને રાખો. તમે ઈચ્છો તો તેને ઉકાળી શકો છો અથવા કાચા ચણાની ચાટ પણ બનાવી શકો છો. આ ચણામાં ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી અને લીલાં મરચાં ઉમેરો. સ્વાદ અનુસાર મરી પાવડર, લીંબુનો રસ, થોડું સંચળ (કાળું મીઠું) ઉમેરી, લીલા ધાણાથી ગાર્નિશ કરીને હેલ્ધી ચાટની મજા લો.
- ચટાકેદાર ‘સ્વીટ કોર્ન ચાટ’
મકાઈના દાણા (કોર્ન) ફાઈબરથી ભરપૂર હોય છે અને તે સાંજ માટે એક લાઈટ સ્નેક્સ છે. સૌપ્રથમ કોર્નને ઉકાળી લો અથવા સ્ટીમ (વરાળ) માં પકવી લો. ત્યારબાદ તેનું પાણી નિતારીને તેમાં સમારેલા ટામેટાં, ડુંગળી, લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરો. સ્વાદને વધુ ચટાકેદાર બનાવવા માટે તેમાં લીંબુનો રસ, મરી પાવડર, સંચળ અને ચાટ મસાલો મિક્સ કરો. તમારી ટેન્ગી અને ટેસ્ટી સ્વીટ કોર્ન ચાટ તૈયાર છે.
-
ક્રીમી અને ટેસ્ટી ‘દહીં સેન્ડવિચ’
સાંજના સમયે કંઈક નવું ટ્રાય કરવું હોય તો દહીં સેન્ડવિચ એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. આ માટે દહીંને થોડીવાર કપડામાં બાંધીને લટકાવી રાખો (હંગ કર્ડ), જેથી તેનું બધું પાણી નીકળી જાય. હવે આ ઘટ્ટ દહીંમાં છીણેલું ગાજર, કેપ્સિકમ, કાકડી, ટામેટાં અને ડુંગળી જેવા શાકભાજી મિક્સ કરો. તેમાં બારીક સમારેલા લીલા મરચાં, મિક્સ હર્બ્સ, મરી પાવડર અને મીઠું ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને બ્રેડ સ્લાઈસ પર લગાવી સેન્ડવિચ તૈયાર કરી લો. તમે તેને એમનેમ પણ ખાઈ શકો છો અથવા હળવી શેકીને (ટોસ્ટ કરીને) પણ એન્જોય કરી શકો છો.
- પૌષ્ટિક ‘સુજી ઉપમા’
ઓછા સમયમાં પેટ ભરાય તેવો ગરમાગરમ નાસ્તો જોઈતો હોય તો ઉપમા બેસ્ટ છે. સૌપ્રથમ સોજીને ધીમા તાપે હલકી શેકી (રોસ્ટ કરી) લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. તેમાં લીલાં મરચાં, બે ચપટી હળદર, મીઠું અને તમારી પસંદગીના શાકભાજી જેવાં કે ટામેટાં, ડુંગળી, બીન્સ વગેરે ઉમેરીને સાંતળી લો. શાકભાજી ચઢી જાય એટલે તેમાં શેકેલી સોજી ઉમેરો અને જરૂર મુજબ ગરમ પાણી રેડો. મિશ્રણને ધીમા તાપે ૫ મિનિટ ઢાંકીને પાકવા દો. સ્વાદિષ્ટ ઉપમા તૈયાર છે.
- વજન નિયંત્રિત કરતું ‘બેસન-વેજીટેબલ ચીલા’
જો તમે ડાયેટ પર હોવ તો ચણાના લોટ (બેસન) અને શાકભાજીમાંથી બનેલો ચીલો (પુડલા) એક હેલ્ધી ચોઈસ છે. બેસનને પાણીમાં ઓગાળી મધ્યમ ખીરું તૈયાર કરો. તેમાં તમારી પસંદગીના ઝીણા સમારેલા શાકભાજી અને નિયમિત મસાલા જેવા કે હળદર, મરચું, મીઠું અને ધાણાજીરું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. નોન-સ્ટીક તવા પર હલકું તેલ લગાવી ફટાફટ ગરમાગરમ ચીલા ઉતારી લો. જો તમે વધુ હેલ્ધી ઓપ્શન ઈચ્છતા હોવ તો બેસનની જગ્યાએ મલ્ટીગ્રેન લોટનો પણ ઉપયોગ કરી શકો છો.


