બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના ઉપક્રમે બિમ્સટેકની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ
ગાંધીનગર, 6 જૂન 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે “Strengthening BIMSTEC’s Role in Connectivity, Culture and Cooperation” વિષયક આંતરરાષ્ટ્રીય પરિષદનું બિમ્સટેક ડે-2026ના અવસરે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બિમ્સટેકના ત્રણ દાયકાના પ્રાદેશિક સહયોગ, વિકાસ અને ભાગીદારીના યોગદાનને ઉજાગર કરતી આ પરિષદમાં બિમ્સટેકના તમામ સાત સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
BIMSTEC Consortium for Folk Arts and Knowledge Systems
પ્રારંભિક ઉદ્બોધનમાં BAOUના કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં યુનિવર્સિટીની સર્વસમાવેશક, લવચીક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. તેમણે બિમ્સટેક ક્ષેત્રમાં શૈક્ષણિક સહયોગ, ડિજિટલ લર્નિંગ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે “BIMSTEC Consortium for Folk Arts and Knowledge Systems”ની સ્થાપનાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો.

BIMSTEC Digital Knowledge Grid
મુખ્ય વક્તા તરીકે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ચીફ નેશનલ કમિશનર ડૉ. કે.કે. ખંડેલવાલે જણાવ્યું હતું કે કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને સહકાર – બિમ્સટેકને વધુ મજબૂત બનાવનારા ત્રણ મુખ્ય સ્તંભો છે. તેમણે પ્રાદેશિક વિકાસ માટે પરિવહન અને ડિજિટલ કનેક્ટિવિટીના મહત્વ પર ભાર મૂકતા “BIMSTEC Digital Knowledge Grid”, “Youth Connectivity Corps” અને “School and University Twinning Programme” જેવી પહેલો સૂચવી હતી.
21 પોઈન્ટનો એક્શન પ્લાન
ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અને બિમ્સટેકના નેશનલ કોઓર્ડિનેટર એમ્બેસેડર સુગંધ કુમાર રાજારામે ભારતના 21 પોઈન્ટનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. તેમણે સેન્ટર્સ ઑફ એક્સેલન્સ, સ્કોલરશિપ્સ, યુવા વિનિમય કાર્યક્રમો, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને સંયુક્ત સંશોધન નેટવર્ક જેવી પહેલો અંગે માહિતી આપી હતી. તેમણે ટેક્નોલોજી આધારિત, સર્વસમાવેશક અને પરિણામલક્ષી પ્રાદેશિક સહયોગની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
પૂર્વ રાજદૂત તથા ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR)ના ભૂતપૂર્વ મહાનિર્દેશક એમ્બેસેડર અખિલેશ મિશ્રાએ પોતાના રાજદ્વારી અનુભવના આધારે બિમ્સટેકના વિશાળ લોકસાંખ્યિક અને આર્થિક સામર્થ્યની ચર્ચા કરી હતી. તેમણે સભ્ય દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોના મહત્વને ઉજાગર કરતાં આગામી ત્રણ દાયકાઓ માટે નવી વ્યૂહાત્મક દ્રષ્ટિ અપનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં રેલ્વે માળખાગત વિકાસનો એક નવો યુગ શરૂ થશે: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ
નાગરિક સમાજ અને વિચારકોની સક્રિય ભાગીદારી
વિશેષ ઉદ્બોધનમાં એમ્બેસેડર અનિલ ત્રિગુણાયતે બિમ્સટેકની ત્રીસ વર્ષની વિકાસયાત્રાને યાદ કરતાં આંતરપ્રાદેશિક વેપાર, લોકો વચ્ચેના સંબંધો અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રાદેશિક સહયોગના ભાવિ ઘડતરમાં શૈક્ષણિક સંસ્થાઓ, નાગરિક સમાજ અને વિચારકોની સક્રિય ભાગીદારી વધારવા પર પણ ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં BAOUના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી યતિનકુમાર પટેલ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ કે. પટેલ, શ્રી અશોકભાઈ મોંડલ તેમજ અન્ય બોર્ડ મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. યેશા ભટ્ટે કર્યું હતું.
કાર્યક્રમના અંતે BAOUના સ્કૂલ ઑફ કમ્પ્યુટર સાયન્સના નિયામક પ્રો. નિલેશ મોદીએ આભારવિધિ દરમિયાન પરિષદની સફળતા માટે સૌના યોગદાનને બિરદાવ્યું .
પરિષદ દરમિયાન થયેલી ચર્ચાઓએ બિમ્સટેકને પ્રાદેશિક કનેક્ટિવિટી, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને ટકાઉ સહયોગ માટેના એક સશક્ત અને ગતિશીલ મંચ તરીકે વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ બિમ્સટેક ક્ષેત્રના સહિયારા વિકાસ અને પ્રગતિના વિઝનને આગળ ધપાવવામાં એક મહત્વપૂર્ણ શૈક્ષણિક ભાગીદાર તરીકે પોતાની ભૂમિકા વિશેષ રીતે રજૂ કરી હતી.
બીજા દિવસે મુખ્યત્વે ‘પીસ એન્ડ રિજિયોનલ કોઑપરેશન’, ‘સસ્ટેનેબિલિટી એન્ડ બ્લૂ ઇકોનોમી’ અને ‘એજ્યુકેશન, હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફ્યુચર વર્કફોર્સ’ જેવા અતિ મહત્ત્વના વિષયો પર ચર્ચા-વિચારણા થશે. ત્યારબાદ કૉન્ફરન્સના અંતે રેડિસન ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે વેલેડિક્ટરી સેશન યોજાશે. જેમાં વિયેતનામમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત પ્રીતિ સરન મેડમ, માનનીય શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને વડોદરાના મેમ્બર ઑફ પાર્લામેન્ટ શ્રી હેમાંગભાઈ જોશી વિશેષ ઉપસ્થિતિ રહેશે એમ BAOU ની અખબારી યાદીમાં જણાવ્યું છે.


