Site icon Revoi.in

ગુજરાતમાં બપોર સુધીમાં 35 તાલુકામાં પડ્યો વરસાદ, ગરમીથી લોકોએ મેળવી રાહત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. અસહ્ય ઉકળાટ બાદ આજે સવારથી બપોર સુધીમાં 35 તાલુકામાં બે ઈંચથી ઝાપટાં સુધીનો વરસાદ પડ્યો હતો. રાજ્યભરમાં આકાશમાં વાદળો ગોરંભાયા છે. અને કેટલાક વિસ્તારમાં આજે સૂર્ય નારાયણના દર્શન પણ થઈ શક્યા નથી. રાજ્યના હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ગત મોડીરાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે 6 વાગે પુરા થતાં 24 કલાક દરમિયાન 49 તાલુકાના વરસાદ પડ્યો હતો. જેમાં નર્મદાના ગરૂડેશ્વરમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેમ વલસાડ, તાપી, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે 56 ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. તો ગીર પંથકમાં આજે ફરી મેઘ મંડાણ થયા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢમાં વરસાદને લઈને ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. ગિરનારના ભદ્ભૂત દૃશ્યો સામે આવ્યાં છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે, 30 મે સુધી ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની શક્યતા છે. આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે મોટી આગાહી કરી છે. જ્યારે ગુજરાતના સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના અલગ-અલગ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.