અમદાવાદ, 3 જુન, 2026 : Rain with strong winds forecast in 11 districts રાજ્યના 11 જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છમાં વરસાદી પડવાની શક્યતા છે. આજે બપોર સુધીમાં ડીસામાં વરસાદના ઝાપટા પડ્યા હતા. આજે સવારથી આકાશમાં વાદળો ગોરંભાતા તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય ઉકળાટનો સામનો કર્યો છે. રાજ્ય સરકારે 11 જિલ્લાઓના વહિવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આપી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા ગરમીમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે 3 જૂને 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિમીની રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો રહેશે. ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થશે. હવામાન વિભાગના મતે આવતીકાલે (4 જૂને) કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન પલટા વચ્ચે ઠેર-ઠેર ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે સાથોસાથ મહતમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટવા સાથે સવારથી જ સખ્ત બફારાનો અનુભવ થઇ રહ્યો છે. ગઇકાલે પણ દિવસ દરમિયાન ભારે બફારો વાર્તાયો હતો અને બપોરનું તાપમાન સામાન્ય રહેવા પામ્યું હતું.

