ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી; 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
અમદાવાદ, 6 જૂન 2026: ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસરના કારણે વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આજે રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. વરસાદની સાથે સાથે દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોને કારણે વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેથી લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
એક તરફ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ છે, તો બીજી તરફ સત્તાવાર ચોમાસાને લઈને પણ રાહતના સમાચાર છે. કેરળમાં સમયસર સક્રિય થઈ ચૂકેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. આગામી બે થી ત્રણ દિવસમાં આ ચોમાસું દેશના અન્ય ભાગો તરફ વધુ આગળ વધશે, જે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ દસ્તક આપી શકે છે.


