Site icon Revoi.in

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 74 તાલકામાં પડ્યો વરસાદ, 7 દિવસ ભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામતો જાય છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 174 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉંમરપાડા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, તેમજ કપરાડા, સાગબારા પારડી, નવસારી સહિત 174 તાલુકામાં ઝાપટાંથી લઈને અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.  આજે સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. અને બફારો વધતા વરસાદ તૂટી પડશે એવો માહોલ અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. સપ્તાહ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 2 દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થશે. હવામાન વિભાગે 14થી 17 જુલાઇ વરસાદની આગાહી કરી છે. સુરજગઢમાં મોનસૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

બનાસકાંઠા જીલ્લામાં શનિવારે રાત્રે પૂર્વ વિસ્તારના ચાર તાલુકા દાંતીવાડા,પાલનપુર,વડ ગામ અને ડીસામાં અનરાધાર વરસાદ પડ્યો હતો.જ્યાં માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા. વાહનો ડુબ્યા હતા. ખેતરો બેટમાં ફેરવાયા હતા. વીજળી પડતાં એક પશુનું મોત થયું હતુ. તેમજ જુદાજુદા ગામોમાં ત્રણ દિવાલો ધરાશાયી થઇ હતી. દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારમાં 6.56 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યાં મોટી ભાખર ગામે વીજળી પડતાં એક ભેંસનું મોત થયું હતુ. પાંથાવાડા રેફરલ હોસ્પિટલની દીવાલ ધરાશાઈ થતા વીજ પુરવઠાના પોલ ઉપરની ડીપી નમી ગઈ હતી. પદ્માવતી સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.પાંથાવાડા નજીકના આરખી, સાતસણ, જાત, આકોલી, સોડાલ, વાઘોર, ધનિયાવાડા અને ભાંડોત્રા સહિતના ગામોમાં ભારે વરસાદ થયો હતો.રામપુરા પાસવાલ ગામે ચેકડેમ ભરાઈ ગયો હતો. પાંથાવાડા નજીક વાવ તળાવ આઠ વર્ષ પછી ફરીથી ભરાયું હતું. રામપુરા પાસવાલ ગામના ખેડૂતના ખેતરમાં રાત્રે પાંચ વાગ્યે પાણી ઘૂસી ગયું હતું. ખેતરમાં પડેલું ટ્રેક્ટર ટાયર સુધી દટાઈ ગયું હતું.

પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો હતો. જ્યારે ઓવરબ્રિજ નીચે આવેલા નાળામાં પાણી ભરાતા ગાયોનો અડીંગો જોવા મળ્યો હતો.

પાલનપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યાં નીચાણવાળા વિસ્તારો લક્ષ્મીપુરા, બેચરપુરા અને ચામુંડા પાર્ક સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. વૃંદાવન કોલોનીના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગોબરી તળાવ ફરી છલકાયું હતુ. આબુરોડ હાઈવે પર ટ્રક પાણીમાં બંધ થઈ જતા બિહારી બાગથી હનુમાન ટેકરી સુધીનો રોડ એક બાજુથી બંધ કરાતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પાલનપુર-અમદાવાદ હાઈવે પર આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો હતો.