Site icon Revoi.in

વડોદરા શહેરમાં વરસાદને લીધે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

Social Share

વડોદરાઃ શહેરમાં ગઈકાલે સાંજના સમયે પડેલા વરસાદને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો ઠેર ઠેર સર્જાયા હતા, વરસતા વરસાદમાં વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. જેમાં બાઈક-સ્કૂટર સહિત દ્વીચક્રી વાહનચાલકોની હાલત કફોડી બની હતી. શહેરના અટલ બ્રિજ પર એક કિલોમીટરથી વધુ લાંબો જામ સર્જાયો હતો. નીલામ્બર સર્કલ અને ખોડીયાર નગર જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામને કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા, જેમાં નોકરી-ધંધા પરથી ઘરે જતા લોકો સૌથી વધુ પરેશાન થયા હતી. વડોદરા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાની તૈયારીઓ પર સવાલો ઉભા થયા છે, કારણ કે વિભાગ પાસે ટ્રાફિક જામનો કોઈ કાયમી ઉકેલ નથી.

વડોદરા શહેરમાં ગઈકાલે ગુરૂવારે સાંજે 5 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો.તેના લીધે પીકઅપ અવર્સમાં ઠેર ઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો. અટલ બ્રિજ પર સ્થિતિ સૌથી વધુ ગંભીર બની હતી. આ બ્રિજ, જે મનીષા સર્કલથી ગેન્ડા સર્કલને જોડે છે, આ બ્રિજ પર એક કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનો અટવાઈ ગયા હતા અને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોને ઘરે પહોંચવામાં વિલંબ થયો હતો.

શહેરના નીલામ્બર સર્કલ પાસે પણ ટ્રફિકજામ સર્જાયો હતો. અને એક એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જેથી એમ્બ્યુલન્સને રોંગ સાઈડ જવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ખોડીયાર નગર અને અક્ષર ચોક સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વડોદરા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા પર નાગરિકોની નારાજગી વધી છે. વિભાગ પાસે વરસાદના સમયે ટ્રાફિક જામને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ નથી, જેના કારણે દર વખતે આ જ સમસ્યા પુનરાવર્તિત થાય છે. જો કાયમી ઉકેલ નહીં કાઢવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિકની વધુ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.