રાજસ્થાન: ભિવાડીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ, 8 મજૂરો જીવતા ભૂંજાયા
જયપુર, 16 ફેબ્રુઆરી 2026: રાજસ્થાનના ભિવાડીમાં સોમવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીંના ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 8 મજૂરો આગની જ્વાળાઓમાં ફસાઈ જતાં જીવતા ભૂંજાયા છે. ફેક્ટરીમાં કેમિકલ અને જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે સવારે અંદાજે 9:30 વાગ્યે ખુશખેડાના એક પ્લોટમાં આવેલી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટો થવા લાગ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એક પછી એક 3 થી 4 પ્રચંડ ધડાકા સંભળાયા હતા, જેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો. આ ધડાકા ગેસ સિલિન્ડર ફાટવાને કારણે થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. ધડાકા બાદ આખી ફેક્ટરી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. ઘટના સમયે ફેક્ટરીમાં આશરે 25 મજૂરો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ થતાં જ અફરાતફરી મચી ગઈ હતી અને મજૂરો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા. તેમાંથી કેટલાક બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ 8 મજૂરો આગની લપેટમાં આવી ગયા હતા. કમનસીબે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ આ આઠેય લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.
આ ફેક્ટરી લાંબા સમયથી બંધ હોવાનું કહેવાય છે, પરંતુ ત્યાં મોટા પ્રમાણમાં પૂંઠા (ગત્તા) અને કેમિકલનો જથ્થો પડ્યો હતો. પોલીસ તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે આ ફેક્ટરીમાં કેમિકલની આડમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કામ પણ ચાલતું હતું, જેને કારણે આગ આટલી ઝડપથી ફેલાઈ હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતા જ અડધો ડઝનથી વધુ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હજુ પણ એક મજૂર અંદર ફસાયેલો હોવાની આશંકા છે, જેના માટે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. પોલીસ આ મામલે ગુનો નોંધીને ફેક્ટરી માલિક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપ 2026: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો 19 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો


