Site icon Revoi.in

રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે જર્જરિત હાલત, કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ કરાયો

Social Share

રાજકોટઃ ચોમાસાને લીધે રાજ્યના નેશનલ અને સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત બની છે. ત્યારે રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રાજકોટ નજીક હાઈવેને  27 કરોડના ખર્ચે નવો રોડ બનાવવા માટે ચાર મહિના પહેલા 6 એપ્રિલ, 2025ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામ શરૂ ન થતા વાહનચાલકો અને આસપાસના ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. આથી તંત્રને ઢંઢોળવા માટે સરધાર ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. હાઈવે ચક્કાજામના કાર્યક્રમમાં આજુબાજુના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાજકોટ-ભાવનગર હાઇવે ખાડાઓને કારણે બિસ્માર બનતા સરધાર ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી ભાનુબેન અને સાંસદ પરસોત્તમ રૂપાલાની નિષ્ક્રિયતા સામે લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ તાલુકા પંચાયત કોંગ્રસના નેતા નિશીથ ખૂંટે જણાવ્યું હતું કે, રાજકોટથી ભાવનગર જવા માટેનો રસ્તો ખૂબ જ બિસ્માર બની ગયો છે. રૂપિયા 27 કરોડના ખર્ચે ચાર મહિના પહેલા આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી. વીવીઆઈપી આવવાના હોય તો માત્ર 48 કલાકમાં જ નવા રસ્તા બની જાય છે તો અહીં આ પ્રકારે રસ્તા કેમ બનતા નથી. વરસાદનું ખોટી રીતે બહાનું આપી કામ શરૂ કરવામાં આવતુ નથી.

રાજકોટ ભાવનગર હાઈવે પર સરધાર ગામે ખરાબ રસ્તાને લઈને ગ્રામજનો અને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં ચક્કાજામ દરમિયાન ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. સાથે ભાનુબેન બાબરીયા અને પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લહેરાવી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતા તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય ચેતન પાણ ત્યાં પહોંચ્યા હતા અને જ્યારે મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે ખરાબ રસ્તાઓનું રીપેરીંગ ક્યારે થશે. ત્યારે તેમણે જવાબ આપ્યો કે, રાજકોટથી ભાવનગર હાઈવે પરના રસ્તાનો 27 કરોડના ખર્ચે કામ મંજૂર થયેલું છે અને તેનું ખાતમુહૂર્ત અમે જ કરેલું છે, પરંતુ ચોમાસા દરમિયાન કામ કઈ રીતે થઈ શકે તેવો જવાબ આપ્યો હતો.