
રાજકોટ કલેકટરનું ફરમાન, ઉમેદવારો ફોર્મ ભરવા આવે ત્યારે પાંચથી વધુ વ્યક્તિઓને પ્રવેશ નહીં મળે
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં જ પ્રથમ તબક્કામાં જે બેઠકોની ચૂંટણી યોજાવવાની છે, તેના ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. દરમિયાન ઉમેદવારી ભરતા માટે આવતા ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતા હોય છે. અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવતા હોય છે. આથી રાજકોટના કલેક્ટરે ફરમાન જારી કર્યું કર્યુ છે. ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની નોંધણી કરાવવી ફરજિયાત કરાવવી પડશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણીનો રંગ જામતો જાય છે. રાજકીય પક્ષો પણ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવા લાગ્યા છે. ઉમેદવારો રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં તેના સમર્થકોને લઈને ચૂંટણી ફોર્મ ભરવા માટે આવતા હોય છે. અને તેથી ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ખૂબ ભીડ થતી હોય છે. આથી કચેરીમાં માત્ર એક સાથે પાંચથી વધુને પ્રવેશ આપવામાં નહી આવે તેમજ
ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એકસાથે પ્રવેશી શકશે. આ આદેશોનો અમલ 3 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે રાજકોટના શહેર, તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુએ રાજકોટ શહેર, રાજકોટ તાલુકા તથા સમગ્ર જિલ્લા વિસ્તારમાં 10 ડિસેમ્બર સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઈ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સભા-સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે. તેમજ સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ઉમેરવાનો રહેશે. સરકારી અથવા અર્ધસરકારી નોકરી પર કે અન્ય સરકારી ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ઇલેકટ્રોનિક મીડિયાને તેમણે પ્રસારિત કરેલા કાર્યક્રમની સીડી રજૂ કરવા આદેશ કર્યો છે. સ્થાનિક કેબલ, ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહ, એ.એમ. તથા એફ.એમ. રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે ઇલક્ટ્રોનિક માધ્યમ દ્વારા પ્રત્યેક દિવસના સવારના 6 કલાકથી બીજા દિવસના સવારના 6 કલાક સુધીમાં કરવામાં આવેલા પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના 10.30 કલાક સુધીમાં જિલ્લા કક્ષાની મીડીયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના સભ્ય સચિવ અને સંયુકત માહિતી નિયામક, જયુબીલી બાગ, રાજકોટની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવાની રહેશે. આ સીડી 4 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી દરરોજ મોકલવાની રહેશે.