રાજકોટ, 31 મે, 2026 : Action against illegal sand mining in Surendranagar and Morbi રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને સરકારી તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપરાયે સૂચના આપતા રાજકોટ રેન્જ ટીમે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ત્રણ સ્થળોએથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં કુલ 4.60 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને સરકારી તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાના આધારે, રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને સ્ટાફે ગુપ્ત માહિતી તથા માનવ સ્રોતનો ઉપયોગ કરીને ગેરકાયદે ખનન સામે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. રેન્જ પોલીસે મોરબી જિલ્લાના અમરેલી ગામની સીમમાં બાયપાસ નજીક મચ્છુ નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતી વોશિંગ કરતા ઇસમોને ઝડપી લીધા હતા. અહીંથી ત્રણ ડમ્પર અને એક જેસીબી સહિત કુલ 1.10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના જાખણ ગામે ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા મહાવિરસિંહ રાણાને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી બે ડમ્પર અને એક હીટાચી મળી કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લાના લીંબડીના બોડિયા ગામની સીમમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને વોશિંગ પ્લાન્ટ ચલાવતા ભરત ભરવાડને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમની પાસેથી આઠ લોડર/ડમ્પર સહિત કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આમ, કુલ તેર લોડર/ડમ્પર અને બે હીટાચી/જેસીબી સહિત કુલ 4.60 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપી, ખાણખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરીને આગળની કાયદેસરની દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

