Site icon Revoi.in

રાજકોટ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં 50.000 મણ મગફળી અને 38200 મણ કપાસની આવક

Social Share

રાજકોટઃ શહેરના બેડી યાર્ડ તરીકે ઓળખતા APMC માર્કેટિંગ યાર્ડમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં કપાસ અને મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતોને દિવાળીના તહેવારો અને રવિપાકની તૈયારી માટે નાણાની જરૂર હોવાથી ખેડૂતો ખરીફ પાકના વેચાણ માટે યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડ બહાર રાતથી વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન યાર્ડમાં અંદાજે 50 હજાર મણ મગફળી તેમજ 38,200 મણ કપાસ વેચાણ માટે આવ્યો હતો. આ સાથે જ યાર્ડમાં હાલમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોએ જીરું તેમજ તલ ઉપરાંત નવી સિઝનનો સોયાબીનનો જથ્થો પણ મોટી માત્રામાં વેચાણ માટે લાવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનૂકુળ હવામાનને લીધે કપાસ અને મગફળી સહિત ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થયુ છે. રાજકોટ, મોરબી, જામનગર સહિતના જિલ્લામાં વરસાદી વિઘ્ન નડયું ન હોવાથી ખે ડૂતોને મગફળીનો તેમજ કપાસનો બમ્પર પાક ઉતર્યો છે. જો કે, યાર્ડમાં હાલમાં મગફળીના ભાવ જીણીના 750 અને જાડી મગફળીના 750થી લઈ 1200 સુધીના ભાવ પ્રતિ મણના ઉપજી રહ્યા છે. આ સાથે જ કપાસ પ્રતિ મણના 1221થી 1560, જીરુંના 3150થી 3450, તલના 1470થી 2013 અને સોયાબીનના 580થી 856 સુધીના ભાવ મળી રહ્યા છે.

દિવાળી નજીક આવતા જ ખેડૂતો શિયાળુ વાવેતર માટે તૈયારી અને દિવાળીના ખર્ચને પહોંચી વળવા મોટાપાયે જણસી વેચાણ માટે આવી રહ્યા છે. જેમાં ત્રણ દિવસમાં જ મગફળી, કપાસ, જીરું, તલ અને સોયાબીનની દોઢ લાખ મણથી વધુની આવક થઇ હતી. જેથી ખેડૂતોમાં પણ દિવાળી પૂર્વેની ખુશી જોવા મળી હતી.

Exit mobile version