
અખાત્રીજ નિમિતે સોના-ચાંદીના દાગીનાના શો-રૂમમાં રાજકોટીયનો ઉમટી પડ્યા
- આજે છે અક્ષય તૃતીયા
- સોના – ચાંદીની ધૂમ ખરીદી
- સોની બજારમાં જોવા મળી ભીડ
રાજકોટ:સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું અત્યંત મહત્વ છે.આ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે. આજે અક્ષય તૃતીયા છે. માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર કોઇપણ શુભ કાર્ય કરી શકાય છે. આ માટે પંચાંગ જોવાની જરૂર નથી રહેતી કેમ કે, આ દિવસે અબૂઝ મુહુર્ત હોય છે. અક્ષય તૃતીયાનું ફળ અક્ષય એટલે કે ક્યારેય નષ્ટ ન થનારું હોય છે. અક્ષય તૃતીયા પર દાન પુણ્યનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલા દાન પુણ્યનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.
વર્ષમાં ચાર વણજોયા મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે એ પૈકી અખાત્રીજ પણ એવું જ વણજોયું મુહૂર્ત છે. સૌથી વધુ લગ્ન, વાસ્તુ, ઉદ્દઘાટન, ખાતમુહૂર્ત, નવા વાહનોની ખરીદી, સોના-ચાંદીની ખરીદી, જમીન-મકાન ખરીદવા, પૂજાનો સામાન ખરીદવો શુભ માનવામાં આવે છે,ત્યારે રાજકોટમાં પણ લોકો સોના-ચાંદીના દાગીના ખરીદવા જ્વેલર્સમાં ઉમટી પડ્યા છે.સવારથી જ રાજકોટિયનો સોનુ-ચાંદી ખરીદી રહ્યા છે.આજના દિવસે રાજકોટમાં જ કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ખરીદી લોકો દ્વારા કરવામાં આવશે.આમ,સવારથી જ ખરીદી નીકળતા સોના-ચાંદીના વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
રાજકોટમાં આજે સોનાના એક તોલાનો ભાવ 49,000 છે.આથી લોકો સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી રહ્યા છે. અને એમાં પણ લગ્નની સીઝન ચાલી રહી હોવાથી લોકો આજના દિવસે સોના-ચાંદીના દાગીના ખરીદી રહ્યા છે.નોંધનીય છે કે, રાજકોટની સોની બજારના સોના-ચાંદીના દાગીના દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે.