1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટનું વાતાવરણ વિદેશી પક્ષી ઈમુને પણ માફક આવી ગયું, ઝૂમાં ઈમુના ત્રણેય બચ્ચા તંદુરસ્ત
રાજકોટનું વાતાવરણ વિદેશી પક્ષી ઈમુને પણ માફક આવી ગયું, ઝૂમાં ઈમુના ત્રણેય બચ્ચા તંદુરસ્ત

રાજકોટનું વાતાવરણ વિદેશી પક્ષી ઈમુને પણ માફક આવી ગયું, ઝૂમાં ઈમુના ત્રણેય બચ્ચા તંદુરસ્ત

0
Social Share

રાજકોટઃ રંગીલા રાજકોટની ધરા એવી છે.કે, બહારથી આવતા લોકોને જ નહીં પણ પશુ – પક્ષીઓને પણ વાતાવરણ માફક આવી જાય છે. ત્યારે શહેરના પ્રદ્યુમનપાર્કમાં વિદેશી શાહમૃગ ગણાતા ઈમુ પક્ષીની જોડીને લાવવામાં આવી હતી. દરમિયાન ઈમુએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચા જન્મા ત્યારે ઝૂના અધિકારીઓને એવો ડર હતો કે, ઈમુના બચ્ચાને ઝૂનું વાતાવરણ માફક આવશે કે કેમ ?, પણ ઝૂમાં ઈમુના ત્રણેય બચ્ચાને વાતાવરણ માફક આવી ગયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ સફેદ વાઘણે 2 વાઘ બાળને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પ્રદ્યુમન પાર્ક -ઝૂમાં ઇમુ પક્ષીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ત્રણેય બચ્ચા ત્રણ માસની ઉંમરના થઇ ગયા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત 24 જુલાઇ 2015 રોજ ઇમુ ૫ક્ષીની જોડી (નર તથા માદા) રેસ્‍ક્યુ અર્થે મેળવવામાં આવ્યા હતા. આ બન્ને ૫ક્ષીઓને અહીંનું કુદરતી જંગલ સ્‍વરૂ૫નું
વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ઇમુ દ્વારા ઇંડા મુકવામાં આવ્યા હતા. સામાન્‍ય રીતે ઇમુ ૫ક્ષીઓમાં માદા ૫ક્ષી ઇંડા મુક્યા ૫છી ઇંડાઓને સેવવાનું કાર્ય નર ઇમુ ૫ક્ષી દ્વારા કરવામાં આવે છે. નર ઇમુ દ્વારા સફળતાપૂર્વક સેવવાનું કાર્ય કરાતા 60 દિવસના અંતે ઇંડામાંથી 3 બચ્‍ચાંઓનો જન્‍મ થયો હતો. હાલ આ ત્રણેય બચ્‍ચાં ત્રણ માસના થઇ ગયી છે અને તંદુરસ્‍ત હાલતમાં પાંજરામાં હરતા-ફરતા જોઇને મુલાકાતીઓ પ્રભાવિત થાય છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ઇમુ ૫ક્ષી વિશ્વનું બીજા નંબરનુ સૌથી મોટું ઉડી ન શકતું ૫ક્ષી છે. પ્રથમ નંબરે સૌથી મોટું ઉડી ન શકતુ પક્ષી શાહમૃગ છે. ઇમુ ૫ક્ષી ભારતના કોઇપણ ભાગમાં જોવા મળતું નથી. તેનું કુદરતી રહેઠાણ ઓસ્‍ટ્રેલિયા, ન્‍યુ હોલેન્‍ડ તથા ન્‍યુ જીનીયાના ખુલ્‍લા મેદાનો ધરાવતા જંગલો, સવાનાના મેદાનો અને સૂકા વિસ્‍તારોમાં જોવા મળે છે. આ પક્ષી મિશ્રાહારી હોય, કુણા ઝાડ-પાન, જીવજંતુ, તીડ, ખડમાંકડ, ઇયળો, કિટકો તેમજ જમીન પરના અન્‍ય નાના જીવજંતુઓ ખાય છે. આ પક્ષીની સામાન્‍ય ઊંચાઇ 5થી 6 ફુટ જેટલી હોય છે. તે 48 કિમીની ઝડપે દોડી શકે છે. તેનું સરેરાશ વજન 30થી 55 કિલો અને આયુષ્‍ય 30થી 35 વર્ષ જેટલુ હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code