રાજનાથ સિંહ 5 અને 6 જૂને અમેરિકન તથા જર્મન સંરક્ષણ પ્રધાનો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે
નવી દિલ્હીઃ યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન અને જર્મન સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોરિયસ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 05 જૂનના રોજ અમેરિકી રક્ષા મંત્રી અને 06 જૂન, 2023ના રોજ જર્મનીના સંરક્ષણ મંત્રી સાથે વાતચીત કરશે. બંને બેઠકો દરમિયાન ઔદ્યોગિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના અનેક મુદ્દાઓ ચર્ચા માટે આવે તેવી શક્યતા છે.
અમેરિકી રક્ષા મંત્રી સિંગાપોરની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને 4 જૂને ભારત આવશે. ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ માર્ચ 2021માં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. જર્મનીના સંરક્ષણ પ્રધાન 05 જૂનથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. તે ઈન્ડોનેશિયાથી ભારત આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથેની તેમની મુલાકાત ઉપરાંત બોરિસ પિસ્ટોરિયસ નવી દિલ્હીમાં ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ (IDEX) દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેટલાક સંરક્ષણ સ્ટાર્ટ-અપ્સને પણ મળશે. 07 જૂને તેઓ મુંબઈની મુલાકાત લેશે જ્યાં તેઓ વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડના મુખ્યાલયની મુલાકાત લેશે. અમેરિકા અને જર્મના સંરક્ષણ મંત્રી ભારતની મુલાકાતે આવશે અને તેઓ રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ રક્ષા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા પણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે તેમજ હવે દેશમાં જ સંરક્ષણ હથિયારોનું ઉત્પાદન કરવાની સાથે તેની નિકાસ પણ કરવામાં આવી રહી છે.