Site icon Revoi.in

કચ્છમાં રણોત્સવનો 23મી ઓક્ટોબરથી પ્રારંભ થશે, ટેન્ટના તોતિંગ ભાડાથી પ્રવાસીઓ નારાજ

Social Share

ભૂજઃ કચ્છમાં ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ આગામી તા, 23મી ઓક્ટોબરથી થશે. સફેદ રણનો નજારો માણવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. કચ્છમાં ઘોરડા, ધોળાવીરાથી લઈને અનેક પ્રવાસન સ્થળોનો વિકાસ થતાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. પ્રવાસન દ્યોગથી અનેક લોકોને રોજગારીની તકો પણ ઉપલબ્ધ બની છે. ધોરડોમાં ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓને ટેન્ટમાં રહેવાના એક દિવસનાં ભાવ મોંઘા લાગી રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ટેન્ટ સીટીના ભાવ વ્યાજબી હોવા જોઇએ તેના બદલે અસહ્ય ભાડાને લીધે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા પ્રવાસીઓમાં પણ સરકારી તંત્રની નીતિ-રીતિ ટીકાપાત્ર બની રહી છે.

કચ્છ આવતા પ્રવાસીઓ માટે રણ મહોત્સવનો પ્રવાસ આ વર્ષે મોંઘો દાટ બની રહેશે. રણ મહોત્સવના ટેન્ટ સીટી સહિતના ભાડામાં કરવામાં આવેલા વધારા બાદ વિગતો આપી પ્રવાસન વિભાગના સુત્રો જણાવે છે કે આગામી તા.23 ઓક્ટોબરથી રણ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં એક દિવસથી માંડી ત્રણ દિવસના ભાડાના પેકેજ આપવામાં આવ્યા છે. જેમાં સુપર પ્રિમિયમ ટેન્ટનું એક જ દિવસનું ભાડું રૂા 9900, બે દિવસનાં 19 હજાર અને ત્રણ દિવસનું ભાડુ રૂા.27500  પ્રતિ વ્યકિત રાખવામાં આવ્યું છે. પ્રિમિયમ ટેન્ટના એક દિવસના રૂા.8900 જ્યારે એસી કોટેજના પ્રતિ દિન રૂા.7900 અને નોન એસીના રૂા.5400 ભાડુ રહેશે. પૂનમના દિવસે રણનો નજારો માણવાની મજા કંઇક અલગ હોય છે. તેથી આ દિવસ માટે દરબારી સ્યુટના એક દિવસના રૂા.70 હજાર બે દિવસના રૂા.1 લાખ 49 હજાર અને ત્રણ દિવસના રૂા.2 લાખ 10 હજાર  (જ્યારે ચાર જણા માટે) રજવાડી સ્યુટના એક દિવસના રૂા.35 હજાર નક્કી કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં અઢી મહિના માટે યોજાનાર રણ મહોત્સવનો પ્રવાસ સહેલાણીઓ માટે મોંઘોદાટ બની રહેશે.

Exit mobile version