સુરેન્દ્રનગર, 10 માર્ચ, 2026: Representation for solving the problems of rationing shopkeepers જિલ્લાના રેશનિંગના દુકાનધારકોએ તેમની વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને કમિશન મોડું મળવા સહિતના મુદ્દે જિલ્લા પૂરવઠા અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને રજુઆત કરી હતી. દુકાનદારોએ સરકારી કામગીરીમાંથી મુક્તિ અને સમયસર કમિશન ચૂકવવાની માંગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 519 સસ્તા અનાજની દુકાનોના લાઇસન્સધારકો છે. આ દુકાનદારોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતું કમિશન અનિયમિત અને મોડું મળે છે, જેના કારણે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત દુકાનદારોને સસ્તા અનાજના વિતરણ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવે છે. જેમાં સરકારી યોજનાઓની એપ્લિકેશન ડાઉનલોડ કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. દુકાનદારોનું કહેવું છે કે આ વધારાની કામગીરીને કારણે તેઓ અનાજના વિતરણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી, જેનાથી ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે. આ કામગીરી ખરેખર દુકાનદારોની જવાબદારી નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગના દુકાનદારોએ જિલ્લા પૂરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે તેમને આવી બિનજરૂરી સરકારી કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે અને તેમનું કમિશન નિયમિતપણે સમયસર ચૂકવવામાં આવે તે જરૂરી છે.

