સુરતમાં આર્થિક સંકળામણમાં રત્ન કલાકાર પરિવારનો આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રીના મોત
અમદાવાદઃ હીરા ઉદ્યોગમાં મંદીને પગલે સુરતમાં ધમધમતો હીરા ઉદ્યોગ પણ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે દરમિયાન સરથાણા યોગીચોક વિસ્તારમાં રત્ન કલાકાર પરિવારે આર્થિક સંકળામણથી કંટાળીને ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં માતા-પિતાના મૃત્યુ થયાં હતા. જ્યારે અન્ય સભ્યોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા વિનુભાઈ મોરડિયા (ઉ.વ. 55) હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે, હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને પગલે વિનુભાઈ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં હતા. દરમિયાન મોડી રાતના વિનુભાઈ, તેમની પત્ની શારદાબેન, પુત્રી સૈનિતા અને પુત્રએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં ઝેરી દવા પીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરીને ઝેર પી લીધી હોવાની જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક વિનુભાઈના ઘરે દોડી ગયા હતા. તેમજ પરિવારના સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ટુંકી સારવાર બાદ વિનુભાઈની પત્ની અને પુત્રીનું મોત થયું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રત્ન કલાકાર પરિવારે આર્થિક સંકળામણમાં અંતિમ પગલુ ભર્યાનું જાણવા મળે છે. વિનુભાઈ મોરડિયા પરિવારના આપઘાતના પ્રયાસની જાણ થતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી અને રત્ન કલાકારોમાં ખળભળાટ મચી ગયો છે.