સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા
- ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લીધી
સોમનાથ, 7 જાન્યુઆરી, 2026 – Reconstruction of Somnath Temple સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છે, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અહીં જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ કરેલા બર્બર હુમલાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી તા. ૮ થી ૧૧ જાન્યુઆરી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે પ્રધાનમંત્રીની સોમનાથ મુલાકાત પૂર્વે જગદીશભાઈ વિશ્વકર્મા આજે સોમનાથ પહોચ્યા હતા. મંદિરમાં તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી હતી.
જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ ના આયોજનની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાઝા, રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક સહિત સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.

શું કહ્યું જગદીશભાઈ વિશ્વકર્માએ?
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, ઈ.સ. 1025માં મહમૂદ ગઝનીએ ભારતની સંસ્કૃતિ અને આત્મગૌરવ પર આઘાત કરતું કૃત્ય કરી સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. મંદિર તોડી પાડવામાં આવ્યું, અપાર લૂંટ ચલાવી. આ હુમલો આસ્થા અને સભ્યતાના એક મહાન પ્રતીકને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો. પછીની શતાબ્દીઓમાં પણ અનેક વખત સોમનાથ પર આક્રમણો થયાં, મંદિર તૂટી પડ્યું, ઉજ્જડ બન્યું. પરંતુ દરેક વિનાશ પછી સોમનાથ ફરી ઊભુ થયું. આ પુનઃસ્થાપન માત્ર એક ધાર્મિક કાર્ય નહોતું, તે ભારતીય ચેતનાનું પ્રતિબિંબ હતું. સોમનાથ સાબિત કરતું રહ્યું કે આક્રમણકારો મંદિર તોડી શકે, પરંતુ શ્રદ્ધા તોડી શકતા નથી.

1947માં ભારત સ્વતંત્ર થયું, સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો. તેઓનું માનવું હતું કે સોમનાથનું પુનર્નિર્માણ એટલે ભારતના સ્વાભિમાનનું પુનર્જાગરણ. જનસહયોગથી મંદિર ફરી ઊભું થયું અને 1951માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેનું ઉદ્દઘાટન થયું. મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર લઈ શક્યું. આ ક્ષણ ભારતના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ બની. આજે સમુદ્રના તટ પર અડીખમ ઊભેલું સોમનાથ મંદિર દરેક ભારતીયને યાદ અપાવે છે કે ભારતની સંસ્કૃતિ અપરાજિત છે. સંયોગ છે કે, 2026નું આ જ વર્ષ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ પણ છે. 11 મે 1951ના રોજ સોમનાથ મંદિરના પુન:નિર્માણનું કાર્ય સંપન્ન થયું હતું.


