નવી દિલ્હી, 29 ઓગસ્ટ 2026: ડબ્બાબંધ (પેકેજ્ડ) ખાદ્ય પદાર્થોની સ્વાસ્થ્ય પર થતી અસરોને લઈને ટૂંક સમયમાં એક મોટું પગલું ભરવામાં આવી શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક સોગદનામુ દાખલ કરવામાં આવ્યું છે. FSSAIએ પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર લાલ રંગનું 6 ખૂણાવાળું ચેતવણી ચિહ્ન લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ લેબલ એવા ખાદ્ય પદાર્થો પર લગાવવામાં આવશે જેમાં ખાંડ, સેચ્યુરેટેડ ફેટ અથવા મીઠાની માત્રા નિર્ધારિત ધોરણો કરતાં વધુ હશે.
આ એફિડેવીટ FOPL (ફ્રન્ટ ઓફ પેકેટ વોર્નિંગ લેબલ) સાથે જોડાયેલા કેસમાં દાખલ કરવામાં આવ્યું છે. સરળ ભાષામાં કહીએ તો, આ ખાવાની ચીજોના પેકેટ પર વધુ ચરબી (સેચ્યુરેટેડ ફેટ), ખાંડ અથવા મીઠાની માત્રા વિશે ચેતવણી આપવાનો મામલો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોર્ટે પેકેટની સામે સ્પષ્ટ ચેતવણી લખવા માટે પગલાં લેવા જણાવ્યું હતું. કોર્ટનું માનવું હતું કે આવા નિશાનને જોઈને લોકો સામાન ખરીદતી વખતે યોગ્ય અને સ્વાસ્થ્યવર્ધી વસ્તુ પસંદ કરી શકશે.
13 ઓગસ્ટે યોજાયેલી સુનાવણીમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રને દેશમાં ચેતવણી લેબલ લગાવવામાં વિલંબ કરવા બદલ FSSAIની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે FSSAI મોટી કંપનીઓ અને કોર્પોરેટ ઘરાનોના દબાણમાં આવીને દેશના લોકો અને બાળકોની તબિયત સાથે ચેડાં કરી રહી છે. દરમિયાન કોર્ટની કડકાઈ બાદ હવે FSSAIએ છ પાનાનું એફિડેવીટ દાખલ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ડબ્બાબંધ ખાદ્ય પદાર્થોના પેકેટ પર સ્વાસ્થ્ય ચેતવણી ચિહ્ન લગાવવામાં આવશે. તે સંપૂર્ણપણે સ્પષ્ટ હશે, જેથી સામાન્ય ગ્રાહકો અને બાળકો તેને સરળતાથી સમજી શકે.
-
પેકેટ પર 6 ખૂણાવાળું ચિહ્ન જોવા મળશે
એફિડેવીટમાં જણાવ્યા મુજબ, પેકેટના આગલા ભાગ પર લાલ રંગનું 6 ખૂણાવાળું ચિહ્ન જોવા મળશે. પ્રોડક્ટમાં રહેલી સામગ્રીના આધારે તેના પર “હાઈ ફેટ”, “હાઈ શુગર” અથવા “હાઈ સોલ્ટ” લખેલું હશે. હાનિકારક ચરબી, સોડિયમ અથવા ખાંડના સ્તરને નક્કી કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન દ્વારા 2024માં નક્કી કરાયેલા ધોરણોને આધાર બનાવવામાં આવશે. આ ચેતવણી પેકેટની પાછળ છપાતા ન્યુટ્રિશન ટેબલના ફોન્ટ કરતા એક પોઈન્ટ મોટા સાઈઝમાં છાપવામાં આવશે જેથી ગ્રાહકનું ધ્યાન તરત જ આકર્ષિત થાય.
-
બે તબક્કામાં લાગુ થશે પ્રક્રિયા
ખાદ્ય ઉદ્યોગને તેમના ઉત્પાદનોના ફોર્મ્યુલામાં સુધારો કરવાની તક આપવા અને ગ્રાહકોને ત્વરિત માહિતી ઉપલબ્ધ કરાવવા માટે FSSAIએ બે તબક્કાની યોજના બનાવી છે.
પહેલો તબક્કો: એવા ખાદ્ય પદાર્થો પર લેબલ લગાવવું અનિવાર્ય કરવામાં આવશે જેમાં ફેટ, ખાંડ અને મીઠામાંથી બે કે તેથી વધુ તત્વો વધુ માત્રામાં હોય. તેમાં મીઠા પીણાંનો પણ સમાવેશ થશે.
બીજો તબક્કો: આ નિયમનો વિસ્તાર એવા તમામ ઉત્પાદનો સુધી કરવામાં આવશે જેમાં કોઈપણ એક તત્વ પણ મર્યાદાથી વધુ જણાશે.
- કુદરતી ઉત્પાદનોને મળશે છૂટ
જે ઉત્પાદનોમાં કુદરતી રીતે જ ફેટ, મીઠું કે ખાંડનું પ્રમાણ વધુ હોય અથવા જે માત્ર એક જ ઘટક (સિંગલ ઇન્ગ્રીડિયન્ટ) થી બનેલા હોય, તેમને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. જેમાં ઘી, ખાદ્ય તેલ, મીઠું, ખાંડ, ગોળ અને મધનો સમાવેશ થાય છે.
-
કોર્ટ લેશે આખરી નિર્ણય
આ પહેલા FSSAIએ સ્વાસ્થ્ય ચેતવણી છાપવાની જગ્યાએ પેકેટ પર માત્ર એવું લખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો કે કોઈ પણ વ્યક્તિ માટે દરરોજ કેટલું ફેટ, શુગર અને સોડિયમ જરૂરી છે. આના પર કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે શું સામાન્ય ગ્રાહક કે બાળક આ પ્રકારની માહિતીને સમજીને તેના આધારે નિર્ણય લઈ શકશે? કોર્ટની કડકાઈ બાદ હવે FSSAIએ નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મામલાની આગામી સુનાવણી 10 સપ્ટેમ્બરે થઈ શકે છે. કોર્ટના આદેશથી જ નક્કી થશે કે આ પ્રસ્તાવ લાગુ થશે કે તેમાં કેટલાક વધુ ફેરફારો કરવામાં આવશે.


