
ગુજરાત રાજ્યના બજેટનું કદ છેલ્લા 60 વર્ષમાં રૂ.114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડ થયું
- ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ 77મું બજેટ રજૂ કરી રહ્યા છે
- ગુજરાતનું પ્રથમ બજેટ વર્ષ 1960-61માં રજૂ કરવામાં આવ્યું હતું
- 60 વર્ષમાં ગુજરાત રાજ્યના બજેટનું કદ રૂ.114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડ થયું
ગાંધીનગર: અત્યારે વિધાનસભામાં ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલ 77મું બજેટ રજૂ કરી રહ્યા છે. આજે અમે આપને બજેટ વિશે એક રસપ્રદ વાત કહીશું. રાજ્યની સ્થાપના થઇ એટલે કે એ વર્ષે નાણાકીય વર્ષ 1960-61માં ગુજરાતનું પહેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વીતેલા 60 વર્ષમાં ગુજરાત વિધાનસભામાં 76 બજેટ રજૂ થઇ ચૂક્યાં છે.
ગુજરાત રાજ્યના બજેટના ઇતિહાસ પર નજર કરીએ તો પ્રથમ બજેટ 22 સપ્ટેમ્બર, 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની બજેટની મોબાઇલ એપમાં આપેલી માહિતી અનુસાર, રાજ્યના પ્રથમ બજેટનું કદ રૂ.114.92 કરોડ અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ.2.17 લાખ કરોડ હતું. ટકાવારની દૃષ્ટિએ જોઇએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.
કોને નામે છે સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ
ગુજરાતમાં અત્યારસુધી 76 બજેટ રજૂ થયા છે અને એમાંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઇ વાળાએ રજૂ કર્યા છે. વજુભાઇ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. ગુજરાતમાં વજુભાઇ વાળા જ્યારે કાઠિયાવાડી લઢણમાં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઇ જતો.
નોંધનીય છે કે, એપ્લિકેશનમાં આપેલી માહિતી મુજબ, ગુજરાતમાં વિવિધ તબક્કે રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોવાને કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્થાપના સમયથી અત્યારસુધીમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.
(સંકેત)