1. Home
  2. ગુજરાતી
  3. SoU પરિસરમાં 562 દેશી રજવાડાઓના વિલીનીકરણના ઇતિહાસનો મ્યૂઝિયમ થકી સાક્ષાત્કાર થશે

SoU પરિસરમાં 562 દેશી રજવાડાઓના વિલીનીકરણના ઇતિહાસનો મ્યૂઝિયમ થકી સાક્ષાત્કાર થશે

0
Social Share
  • લોહપુરુષ સરદાર પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરાવ્યું હતું
  • 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરાવી તેમણે અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું
  • તેમની ગૌરવવંતી સ્મૃતિ-ઇતિહાસ પેઢીઓ સુધી સચવાય તે માટે રાજ્ય સરકારનો નિર્ણય
  • SoU પરિસરમાં આ ભવ્ય ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતા મ્યૂઝિયમનું નિર્માણ થશે

લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પ્રભારી ડો. શ્રી રાજીવકુમાર ગુપ્તા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધિક મુખ્ય સચિવ શ્રી સી. વી. સોમ, સંગ્રહાલય નિયામકશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે આ બેઠકમાં એવું સૂચન કર્યુ કે, ભારતના અલગ-અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ ફેમીલીઝનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવે.

આ મ્યૂઝિયમના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગ્ય સ્થળે જમીન ફાળવવાનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્યાતિભવ્ય મ્યૂઝિયમ બનશે

562 દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા વિશ્વભરના પ્રવાસીઓને ભારતની એકતા અખંડિતતાના ભવ્ય ઇતિહાસથી પરિચિત થવાની અમૂલ્ય તક મળશે. દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા અત્યાધુનિક ૩-ડી-હોલોગ્રાફી-ઓગમેન્ટેડ રિયાલિટી સહિત ઓડિયો-વિડીયો -કંટ્રોલ લાઇટ સિસ્ટમ આકર્ષણો સાથે આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરાશે. દેશભરના રાજ્યોનો સંપર્ક કરી તેમના રાજ્યોના તત્કાલિન રાજા-રજવાડાઓની વિગતો- ભારતમાં વિલીનીકરણના દસ્તાવેજો-બેનમૂન ચીજવસ્તુઓ-ઐતિહાસિક વિરાસતની સંપૂર્ણ વિગતો મેળવી આ મ્યૂઝિયમમાં શો કેસ કરાશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે ભારતની આઝાદી પછી અખંડ રાષ્ટ્રના સંકલ્પ સાથે નાના-મોટા 562 રાજા-રજવાડાઓ સાથે વિવિધ સ્તરે પરામર્શ-ચર્ચાઓ-બેઠકો કરીને ભારતમાં તેના વિલીનીકરણની સફળતા મેળવી તેની ફલશ્રુતિએ આજે ભારત સમગ્ર વિશ્વમાં એક અને અખંડ રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પામ્યુ છે.”

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.”

મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક સૂચન કર્યુ કે, “આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે.”

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરોવર ડેમ સમીપે કેવડીયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નિર્માણ થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે સમગ્ર 562 દેશી રજવાડાઓના ભારતમાં વિલીનીકરણની ભવ્ય ગાથા અને વિરાસત તેમજ સ્વરાજ્યના મહાત્મા ગાંધી સરદાર સાહેબના સપનાને સુરાજ્યમાં સાકાર કરવાની યાત્રામાં આ ઐતિહાસિક મ્યૂઝિયમ અભ્યાસુઓ, સંશોધકો તેમજ પર્યટકો માટે એક નવું નજરાણું બનશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code