
- હવે ઐતિહાસિક મહત્વ-વારસો ધરાવતી શાળાઓનું થશે નવીનીકરણ
- વારસાગત સ્થાપત્ય ધરાવતી શાળાઓનું હવે નવીનીકરણ કરાશે
- આ માટે રાજ્યના બજેટમાં આ વખતે રૂ.25 કરોડની જોગવાઇ કરાઇ છે
અમદાવાદ: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ઐતિહાસિક મહત્વ તેમજ ઐતિહાસિક વારસો ધરાવતી શાળાઓનું નવીનીકરણ થશે. વિશેષ પ્રકારનું વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રાજ્યના બજેટમાં રૂ.25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. AMC સંચાલિત સ્કૂલબોર્ડએ હેરિટેજ વારસો ધરાવતી 15 શાળાઓની યાદી તૈયાર કરી છે.
શાહપુર સ્થિત ગુજરાતી શાળા નંબર 4 આ વિસ્તારમાં લાલ સ્કૂલ તરીકે પ્રસિદ્વ છે. શાળાના આચાર્ય શીતલ ભટ્ટ અનુસાર, વર્ષ 1885માં સ્થાપિત આ સ્કૂલનું બાંધકામ ઐતિહાસિક ઇમારતથી ઓછું નથી. એવું કહેવાય છે કે, પહેલા અહીંયા કોર્ટ ચાલતી હતી. પરંતુ હાલ મ્યુનિસિપલ શાળા ગુજરાતી અને ઉર્દુ ચાલી રહી છે.
આ ઉપરાંત શાળા નંબર 7 અને 8ને પણ કોર્પોરેશનની હેરિટેજ ઇમારતોની યાદીમાં મૂકવામાં આવી છે. વર્ષ 1924માં બનેલી આ સ્કૂલનું હેરિટેજ મહત્વ પણ એટલું જ છે. શાળાના મુખ્ય શિક્ષકનું માનવું છે કે, આવી શાલાના નવીનીકરણથી તૈનું ઐતિહાસિક મહત્વ વધશે. અહીં ભણવા આવતા બાળકોને પણ આ ઐતિહાસિક ધરોહર વિશે જ્ઞાન પ્રાપ્ત થશે.
નોંધનીય છે કે રાજ્યમાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર રજૂ થયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ કરાઈ છે.
જેમાં ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્ત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ. 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
(સંકેત)