Site icon Revoi.in

ભૂજના એરપોર્ટનું કરોડો રૂપિયાના ખર્ચે નવિનીકરણનું કામ જુલાઈમાં પૂર્ણ કરી દેવાશે

Social Share

ભૂજ, 15 જુન, 2026 : Renovation work of Bhuj airport  શહેરના એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે એરપોર્ટનું રૂપિયા 10 કરોડના ખર્ચે નવીનીકરણ અને આધુનિકીકરણનું કાર્ય ચાલી રહ્યું છે. એપ્રિલ 2024થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ 31 જુલાઈ 2026 સુધીમાં પૂર્ણ થશે તેમ એરપોર્ટ ડાયરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટ એજન્સીને 31 જુલાઈ અંતિમ મુદત આપવામાં આવી છે.

ભૂજના એરપોર્ટ પર પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. જો કે કચ્છને વિમાની સેવાનો પુરતો લાભ મળતો નથી. અગાઉ એપ્રિલ મહિનાના સમર શેડ્યૂલમાં ઇન્ડિગો કંપની દ્વારા મુંબઈ અને દિલ્હીની અલગ-અલગ ફ્લાઇટ શરૂ થવાની હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તે અટકી ગઈ હતી. હવે આ બંને ફ્લાઇટ્સ ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ જશે. આ સિવાય ભુજથી અમદાવાદ માટેની નવી ફ્લાઇટ શરૂ કરવા ચર્ચાઓ ચાલી રહી છે. ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓને સિસ્ટમ આધુનિક રાખવા સૂચના અપાઈ છે. ભુજમાં ઉડાન કેફે, બહારના વિસ્તારમાં એસી સહિતની બાબતે દરખાસ્ત કરાઈ છે.

ભૂજના એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન સરળ બનાવવા નવું એપ્રોન મંજૂર થઈ ગયું છે. હવે રનવે પર એકસાથે 5 વિમાનો પાર્ક થઈ શકશે, જેમાં 160 સીટની ક્ષમતા ધરાવતા 3 મોટા એરબસ વિમાન અને 80 સીટની ક્ષમતા ધરાવતા 2 એટીઆર વિમાનોનો સમાવેશ થાય છે. તાજેતરમાં ATC ની ટીમે એરપોર્ટની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓની સુવિધા માટે રાત્રિ સુધી સેવાનું સંચાલન થઈ શકે તે માટે એરપોર્ટ દ્વારા જરૂરી ખાતરી અપાઈ છે.

ભુજ એરપોર્ટ પર વર્ષ 2022-23માં દરરોજ સરેરાશ 100 જેટલા પ્રવાસીઓ આવતા તેની સામે વર્ષ 2025-26માં દરરોજ સરેરાશ 800 જેટલા પ્રવાસીઓ અવર-જવર કરી રહ્યા છે. વર્ષ 2024-25માં કુલ પ્રવાસીઓની સંખ્યા 1,86,629 હતી, જે વર્ષ 2025-26માં વધીને 2,80,737 પહોંચી ગઈ છે. વર્ષ 2025-26ના ગાળામાં કુલ 2208 ફ્લાઇટ્સની અવર-જવર નોંધાઈ છે.

Exit mobile version