Site icon Revoi.in

પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય : રાજ્યપાલ

Social Share

 વલ્લભ વિદ્યાનગરઃ રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજ નવનિર્માણ શક્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘‘વિરાસત ભી વિકાસ ભી’’ અને ‘‘આધ્યાત્મિકતાથી આધુનિકતા’’ ના મંત્ર સાથે દેશને 2047 ના વર્ષ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપે.

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો 67મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં  યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ  આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિવિધ વિદ્યાશાખાના 16218  વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા 100 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલના હસ્તે  સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર પદવીધારકોને ડીજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

રાજયપાલએ પદવીધારકોને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવી પોતાના જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ માટે સમાજ જીવનના નવા દરવાજા ખુલી રહ્યા છે, તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, દીક્ષાંત એ માત્ર શિક્ષાંત ન બની રહે તેની ચિંતા કરીને વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે.

મંત્રીએ કહયું હતું કે, ૨૦ મી સદીની આપણી કલ્પનાઓ 21 મી સદીમાં સાકાર થઈ રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ભારતની આ 21 મી સદીની શરૂઆત ગુજરાતથી થઈ છે. ગુજરાતમાં 2001ના વર્ષથી 21 મી સદીનો પાયો પ્રશસ્ત કરવાનું કાર્ય તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલભાઈ પાનશેરિયાએ ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે મેળવેલા જ્ઞાનને અંત્યોદય સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરદાર પટેલની સત્યની વિચારધારા સાથે આગળ વધી વ્યસનોથી દૂર રહી, રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા જણાવી, તેમનું જ્ઞાન સમાજ – રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાહેબની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.