રાજકોટ,13 જાન્યુઆરી 2026: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 3 મહિનાથી રોડ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. એટલે ના છૂટકે લડતનો પ્રારંભ કર્યો છે.
રાજકોટ શહેરમાં 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ નજીક આવેલી રાજદીપ સોસાયટી વિસ્તારમાં રોડ નહીં હોવાથી રહિશો પરેશાન થઈ રહ્યા છે. ઉબડ-ખબડ રસ્તાથી વાહનચાલકો પણ ત્રાસી ગયા છે. અધિકારીઓએ 10 તારીખ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હોવા છતાં, આજદિન સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ રોડની બિસ્માર હાલતને કારણે ખાસ કરીને શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક બાળકો સાયકલ પરથી પડી જવાની ઘટનાઓ પણ બની છે. નાગરિકો નિયમિત મકાન વેરો અને અન્ય ટેક્સ ભરતા હોય, તો તેમને પાયાની સુવિધા કેમ નથી મળતી? જો આગામી દિવસોમાં રોડનું કામ શરૂ નહીં થાય તો સોસાયટીની શેરીઓ બંધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી બે-ત્રણ મહિનામાં યોજાવાની છે. છતાંયે સત્તાધારી પક્ષ દ્વારા પણ પુરતુ ધ્યાન આપવામાં આવતું નથી. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 3 મહિનાથી રોડ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. એટલે ના છૂટકે લડતનો પ્રારંભ કર્યો છે.

