Site icon Revoi.in

અમદાવાદમાં ગોમતીપુર વોર્ડમાં 200 છાપરા તોડવાની નોટિસથી રહિશોમાં આક્રોશ

Social Share

અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આંબાવાડીના છાપરા તથા ચકુડિયા મહાદેવ નજીક આશરે 200થી વધુ છાપરાઓને 21 દિવસમાં ખાલી કરવાની  મ્યુનિ.કોર્પોરેશને નોટિસ ફટકારતા છાપરાવાસીઓમાં આક્રોશ ઊભો થયો છે. છેલ્લા 40થી વધુ વર્ષથી છાપરાવાસીઓ વસવાટ કરી રહ્યા છે. આ અંગે મ્યુનિના સત્તાધિશોને રજુઆત કરાતા યોગ્ય વળતર આપવાની હૈયાધારણ આપવામાં આવી છે.

અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડમાં વર્ષો જુના 200થી વધુ છાપરાને 21 દિવસમાં ખાલી કરવા અને તોડી પાડવાની નોટિસ ફટકારતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના પગલે સ્થાનિકો સાથે કોર્પોરેટર દ્વારા પૂર્વ ઝોનની કચેરીમાં જઈને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક કોર્પોરેટ ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, ગોમતીપુર વોર્ડના આબાંવાડીના છાપરા અને ચકુડિયા મહાદેવના આશરે 200 થી વધારે છાપરાને મ્યુનિ.કોર્પોરેશને 21 દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી છે. જો તેઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો તેમના માલસામાન સાથે તોડી પાડવાની નોટિસ અપાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

સ્થાનિક છાપરાવાસીઓના કહેવા મુજબ  આ છાપરા વર્ષ 1980 પહેલાના છે, અને છેલ્લા 40 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે. વર્ષો જુના છાપરાને હટાવવાનો નિર્ણય લેવાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલે આ મામલે સ્થાનિકો દ્વારા પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ કમિશ્નરને ધારદાર રજૂઆતો કરી હતી. એટલે ડેપ્યુટી કમિશ્નર દ્વારા તમામના પુરવાઓ ચકાસીને તેમને યોગ્ય વળતર આપવાની બાંહેધરી આપી હકારાત્મક વલણ અપનાવ્યું હતું. આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સ્થાનિકો દ્વારા આંદોલન કરાશે.