પ.બંગાળમાં અવળી ગંગા, સીએમ મમતા બેનરજીએ ED પર દરોડો પાડ્યો! જાણો
કોલકાતા, 8 જાન્યુઆરી, 2026: CM Mamata Banerjee raids ED! પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે ગુરુવારે એક અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક કોલકાતાના સોલ્ટ લેક સ્થિત I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી)ની ઓફિસે પહોંચી ગયા હતા. તે સમયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી ફંડિંગ સંબંધિત કેસમાં ઓફિસની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.
ઘટનાની વિગતો
પ્રત્યક્ષદર્શીઓ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, જેવો મુખ્યમંત્રીનો કાફલો I-PAC ઓફિસની બહાર ઊભો રહ્યો, ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને EDના અધિકારીઓ ચોંકી ગયા હતા. મુખ્યમંત્રી સીધા એ રૂમમાં પ્રવેશ્યા જ્યાં EDના અધિકારીઓ ફાઈલોની તપાસ કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં અધિકારીઓ સાથે તેમની ઉગ્ર દલીલબાજી પણ થઈ હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ ત્યાં રાખેલા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ફાઈલો ઉઠાવી અને પોતાના સુરક્ષા ઘેરા સાથે ઓફિસની બહાર નીકળી ગયા હતા.

EDની તપાસનો આધાર
EDના આ દરોડા I-PACના છેલ્લા કેટલાક વર્ષોના બેંક ખાતા, ચૂંટણી ખર્ચ અને કન્સલ્ટન્સી ફીના વ્યવહારોની તપાસના સંદર્ભમાં હતા. એજન્સીને શંકા છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક શંકાસ્પદ સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવવામાં આવ્યું હતું.
કાનૂની અને રાજકીય પ્રતિક્રિયા
તપાસ એજન્સીના સૂત્રોનું કહેવું છે કે ચાલુ દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા આ પ્રકારે હસ્તક્ષેપ કરવો અને પુરાવા (દસ્તાવેજો) લઈ જવા એ કાયદેસર રીતે ‘તપાસમાં અવરોધ’ ગણી શકાય. ED આ મામલે દિલ્હી સ્થિત હેડક્વાર્ટરને રિપોર્ટ મોકલી રહી છે અને કોર્ટના દ્વાર ખટખટાવવાનું વિચારી રહી છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી માત્ર પાર્ટીના વ્યૂહાત્મક સહયોગીઓનું મનોબળ વધારવા ગયા હતા અને ભાજપ તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ શામળાજી મહોત્સવ 2026નો આજે પ્રારંભઃ જિલ્લા કલેક્ટરે શું કરી અપીલ, જુઓ VIDEO


