જામનગર, 17 એપ્રિલ 2026: Election boycott banners put up in Ward No. 10 in Jamnagar મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રજા જાગૃત થતાં નેતાઓ પાસે કામનો હિસાબ માગી રહી છે. ચૂંટણી જ એવું ટાણુ છે કે, નેતાઓને પ્રજા સમક્ષ નમવું પડે છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સ્થાનિક રહેવાસીઓ સફાઈની સમસ્યાથી કંટાળી ગયા હોવાથી મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
શહેરના વોર્ડ નંબર 10ના સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં લાંબા સમયથી ગંદકી, કચરાના ઢગલા અને અયોગ્ય સફાઈ વ્યવસ્થાના કારણે લોકો આરોગ્ય સંબંધિત જોખમનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો સ્થાયી ઉકેલ ન આવતા નાગરિકોમાં તંત્ર સામે અસંતોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે માત્ર ચૂંટણી સમયે જ પ્રચાર-પ્રસાર માટે થોડાક દિવસ સફાઈ કરવામાં આવે છે, પરંતુ બાદમાં વિસ્તારમાં કોઈ નિયમિત દેખરેખ રાખવામાં આવતી નથી. આ કારણે ત્રાસી ગયેલા લોકોએ અંતે ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે.
શહેરના વોર્ડ નંબર 10મા લગાવવામાં આવેલા બેનરો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના ઉમેદવારો પણ હવે આ વિસ્તારમાં પ્રચાર કરવા જતાં પહેલાં વિચાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ ચૂંટણી દરમિયાન નાગરિકોની મૂળભૂત સમસ્યાઓ અને તેમની અવગણનાને કેન્દ્રસ્થાને લાવી છે, અને સ્થાનિક તંત્ર માટે પણ ચેતવણીરૂપ બની છે.


