સાંજની ભૂખ માટે ઝટપટ બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી દહીં બ્રેડ રોલ્સ, જાણો રેસીપી
જો તમે સાંજના નાસ્તામાં અથવા ઘરે આવતા મહેમાનો માટે કંઈક નવું અને ઝટપટ બની જાય તેવું સ્વાદિષ્ટ સ્નેક બનાવવા માંગો છો, તો ‘દહીં બ્રેડ રોલ્સ’ રેસીપી તમારા માટે બેસ્ટ છે. આ રોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન હોય છે, જ્યારે તેની અંદરનું દહીં અને મસાલાનું મિશ્રણ તેને ખૂબ જ સોફ્ટ અને ક્રીમી બનાવે છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેકને આ વાનગી ખૂબ જ પસંદ પડે છે.
- જરૂરી સામગ્રી
મુખ્ય સામગ્રી: મોળું દહીં, તાજી બ્રેડ સ્લાઈસ અને તેલ.
શાકભાજી અને મસાલા: ઝીણી સમારેલી ડુંગળી, શિમલા મરચાં, આદુ, લીલાં મરચાં, તાજી કોથમીર.
સીઝનિંગ: મીઠું, મરી પાવડર, શેકેલું જીરું અને સ્વાદ મુજબ ચીઝ.
- બનાવવાની રીત
સૌથી પહેલા દહીંને એક મલમલના કપડામાં અથવા ઝીણી ગરણીમાં બાંધીને 4 થી 5 કલાક માટે રહેવા દો, જેથી તેનું બધું પાણી નીકળી જાય અને ઘટ્ટ ‘હંગ કર્ડ’ તૈયાર થઈ જાય. આ ઘટ્ટ દહીંમાં સમારેલી ડુંગળી, શિમલા મરચાં, આદુ, મરચાં, કોથમીર, મીઠું, જીરું અને છીણેલું ચીઝ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમજ બ્રેડની કિનારીઓ કાપી લો અને તેને વેલણથી થોડી વણીને પાતળી કરો. હવે બ્રેડની વચ્ચે તૈયાર કરેલું દહીંનું મિશ્રણ મૂકો અને તેની કિનારીઓ પર સહેજ પાણી લગાવી તેને રોલ જેવો આકાર આપી દો. એક પેનમાં તેલ ગરમ કરો અને આ રોલ્સને મીડિયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
આ રોલ્સનો સ્વાદ બમણો કરવા માટે તેની સાથે સ્પેશિયલ ચટણી સર્વ કરો. આ માટે ગરમ પાણીમાં પલાળેલી આમલીનો પલ્પ કાઢી લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ, મરચાં, મીઠું, લાલ મરચું, જીરું, ખાંડ, કોથમીર અને સહેજ બાફેલો બટાકો ઉમેરીને બરાબર મિક્સ કરો. આ ચટપટી ચટણી દહીં રોલ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.


