અમદાવાદમાં તોફાનીતત્વોએ પોલીસ ટીમ ઉપર કર્યો ભારે પથ્થરમારો
અમદાવાદ : શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ઘટના સ્થળ ઉપર દોડી ગયેલી પોલીસે ટોળાને વિખેરવાની કવાયત શરૂ કરી હતી. બીજી તરફ તોફાનીતત્વોએ પોલીસ ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને 32 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધીને 28 લોકોની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામાન્ય મુદ્દે તકરાર થઈ હતી. દરમિયાન બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થલ પર દોડી ગયો હતો. તેમજ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યાં હતા. દરમિયાન તોફાનીઓએ પોલીસ ઉપર જ ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
પોલીસે સમગ્ર ઘટના ઉપર કાબુ મેળવ્યાં બાદ તોફાની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે 150ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. જેમાં 32 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. જે પૈકી કેટલાક શખ્સોની અટકાયત કરીને ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. તેમજ સમગ્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.