Site icon Revoi.in

જંત્રીના સુચિત દર સામે વધતો વિરોધ, લોકો મકાન ખરીદી નહીં શકેઃ ક્રેડાઈ

Social Share

સુરતઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સુચિત દરોમાં ધરખમ વધારો સુચવાયો છે. હાલ નવી જંત્રીના દર સામે લોકોના વાંધા-સુચનો માગવામાં આવ્યા છે. જો કે સરકાર જંત્રીના નવા દર લાગુ કરવા મક્કમ છે. ત્યારે તેની સામે વિરોધ પણ વધતો જાય છે. અમદાવાદ બાદ સુરતમાં પણ ક્રેડોઈએ વિરોધ કર્યો છે, સરકાર જો તેમની માંગો નહીં માને તો હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટ જવા માટેની તૈયારી ગુજરાત ક્રેડાઈએ બતાવી છે.  સુરત ક્રેડાઇ પ્રમુખ ડોક્ટર જીગ્નેશ પટેલ કહ્યું હતું કે, 100 જેટલા પ્રોજેક્ટ હાલ પાઇપલાઇનમાં છે, જંત્રીના નવા દરથી બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સૌથી વધારે અસર થશે. અને રિયલ એસ્ટેટમાં વ્યાપક મંદીની પણ શક્યતા છે.

ક્રેડોઈના સૂત્રોના કહેવા મુજબ સુરતમાં 32 ટીપીમાં જંત્રીના ભાવોમાં 500 ટકાથી વધુ, 12 ટીપીમાં 400 ટકાથી વધુ અને ઓલપાડના સાંધિયેર ગામમાં 8 હજાર ટકાનો વધારો સુચવાયો છે. આ વધારા સાથે શહેરની એવરેજ જમીનની જંત્રીના ભાવોમાં 200 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. આ જંત્રીના આકરા નક્કી થયેલા દરોએ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો લગાવવાની આશંકા છે. ક્રેડાઈ દ્વારા વાંધાઓ રજૂ કરાયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  રાજ્ય સરકારને 40 હજારથી વધુ વેલ્યુ ઝોનમાં જંત્રીના દર નક્કી કરવા માટે 18 મહિના લાગ્યા, પરંતુ વાંધા રજૂ કરવા માટે ફક્ત 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આ પ્રક્રિયાની પૂરતી માહિતી નથી. જંત્રીના દરો સાયન્ટિફિક રીતે નક્કી થયા છે, તે દાવા પોકળ છે. નવા દરો ખેડૂત, મિલકત ખરીદનારા અને સામાન્ય નાગરિકો પર આર્થિક ભારણ વધારશે.

ક્રેડોઈ દ્વારા માગણી કરવામાં આવી છે કે, સુચિત જંત્રીના દરમાં વધારા સામે વાંધા રજૂ કરવા માટે 31 માર્ચ, 2025 સુધીનો સમય આપવામાં આવે. હાલની ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવી અને ઓફલાઈન રજૂઆત માટે વ્યવસ્થા કરવામાં આવે. તથા જંત્રીના દરો સાંજશીલા અને લોકાભિમુખ બને તે માટે સાયન્ટિફિક સર્વે દ્વારા વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે. અને દરેક વેલ્યુ ઝોનના નકશા જાહેર કરવામાં આવે જેથી અસમાનતા દૂર થાય.

ક્રેડોઈએ વધુમાં જણાવ્યું હતું કે,  જો સુચિત જંત્રીના દરો અમલમાં મુકાશે તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘર કે દુકાન ખરીદવી અશક્ય બની જશે. આ ઉપરાંત ખેડૂતોની જમીન ખરીદી-વેચાણ પણ અટકી જશે, જે ગુજરાતના વિકાસમાં અવરોધરૂપ બનશે. સાયન્ટિફિક સર્વેના દાવા પાયાવિહોણા છે.