વડોદરા, 29 મે, 2026 : Robbers pelted stones at vehicles on highway near MP-Gujarat border દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર નજીક ખાસ કરીને મધરાત બાદ લૂંટ કરવાના ઈરાદે વાહનો પર પથ્થરમારાની ઘટના બની રહી છે. ગઈકાલે રાત્રે વડોદરાના પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે એમપી-જાંબુઆ રોડ પરના ટોલ ટેક્સ નજીક 20થી 25 લોકોના ટોળાએ પથ્થરમારો કરતા ડ્રાઇવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને પથ્થરમારાથી બસને પણ મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત કેટલીક કાર પર પણ પથ્થરમારો કરાયો હતો. આથી રાતના સમયે હાઈવે પર સઘન પોલીસ પેટ્રોલિંગની માગ ઊઠી છે.
વડોદરાના પ્રવાસીઓએ આપવિતી વર્ણવતા કહ્યું હતું કે, ગુજરાત અને એમપી બોર્ડર પર રાતના સમયે લૂંટના ઈરાદે વાહનો પર પથ્થરમારાના બનાવો બની રહ્યા છે. અમારી બસ પર 20થી 25ના ટોળાએ પથ્થરમારો કરતા બે લોકોને ઈજાઓ થઈ હતી. સ્થાનિક પોલીસ અને મેડિકલ સેવા પણ સમયસર મળી નથી. એટલું જ નહીં અન્ય કેટલીક ગાડીઓ પર પણ પથ્થરમારો કરાયો હતો. ઘટના બાદ ખાનગી બસના આગળના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તો સાથે ડ્રાઇવર પણ ઈજાગ્રસ્ત થયો હતો. બસ જ્યારે એમપી-જાંબુઆ રોડ પરના ટોલ ટેક્સ પર પહોંચી તે દરમિયાન તેને રોકવામાં આવી હતી. પ્રવાસીઓની સલામતી માટે હાઈવે ઓથોરિટી પણ નિષ્ક્રિય છે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના પ્રવાસીઓ 10 મેએ વડોદરાથી ખાનગી બસ મારફતે ઉજ્જૈન, જગન્નાથપુરી, કાશી, અયોધ્યા સહિતના સ્થળોએ પ્રવાસે ગયા હતા. ગત રાત્રે તેઓ ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે મધ્ય પ્રદેશના એક ટોલબૂથ પહેલા 20થી 25 લોકોના ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેના કારણે ડ્રાઈવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સાથે પાછળ આવતી અન્ય ગાડીઓ પર હુમલો કરાયો હતો. બસના ડ્રાઈવરે બસ ઉભી રાખવાની જગ્યાએ હિંમત રાખી બસ દોડાવી હતી. જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે. સાથે અન્ય ચાર ગાડીઓ પર પણ હુમલો થયો છે. આ ઘટનામાં મધ્ય પ્રદેશ પોલીસે કોઈ મદદ કરી નથી. સાથે મેડિકલ ટીમ પણ સમય કરતા મોડી પહોંચી હતી.

