Site icon Revoi.in

અમદાવાદના સિન્ધુભવન રોડ પરના બંગલામાં રાત્રે લૂંટારૂ શખસો ત્રાટક્યા, એક લાખ રોકડની લૂંટ

Social Share

અમદાવાદઃ શહેરના સિન્ધુભવન રોડ પર આવેલા એક બંગલામાં મધરાત બાદ ચાર બુકાનીધારી લૂંટારૂઓએ ત્રાટકીને બંગલામાં રહેતા બિલ્ડરને ધમકી આપી મારમારીને છરીની અણિએ રૂપિયા એક લાખ રોકડની લૂંટ કરી હતી, બિલ્ડરને ધમકી આપી તિજોરી પાસે લઈ જવાયા હતા પણ કોઈ કારણસર તિજોરી ખૂલ્લી ન હતી, ત્યારબાદ પોલીસને જાણ ન કરવાની ધમકી આપીને લૂંટારૂ શખસો પલયાન થઈ ગયા હતા. આ લૂંટના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને લૂંટારૂ શખસોને પકડવા તજવીજ હાથ ધરી છે.

શહેરના પોશ વિસ્તાર એવા સિંધુભવન રોડ પર રહેતા બિલ્ડર અને તેમનો પરિવાર બંગલામાં રાતે સૂઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરમાં ચાર બુકાનીધારી લૂંટારુઓ ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ બિલ્ડરના ગળા પર છરી મૂકીને ધમકાવીને લૂંટ ચલાવ્યા બાદ મૂઢ માર માર્યો હતો અને જતી વખતે પોલીસને જાણ ન કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે બિલ્ડરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સિંધુભવન રોડ પર આવેલા પટેલ હાઉસમાં રહેતા નરેશ પટેલ સ્ટેલા બિલ્ડિંગમાં શ્રી અષ્ટ લક્ષ્મી નામની કન્સ્ટ્રક્શન કંપની ધરાવે છે. ગત મોડી રાતે તેમના પત્ની અને દીકરો ઉપરના રૂમ સૂઈ રહ્યા હતા. જ્યારે તેઓ નીચે સૂઈ રહ્યા હતા. રાત્રે 2 વાગ્યા આસપાસ તેઓ સુતા હતા, ત્યારે શરીરને સ્પર્શ થતાં જાગી ગયા હતા. નરેશ પટેલે જોયું તો ચારેક જેટલા બુકાનીધારી શખસો તેમની પાસે ઊભા હતા. ચાર પૈકી એક શખસ તેમની છાતી પર બેસીને ગળા પર છરી મૂકી દીધી હતી. જ્યારે અન્ય બે શખસોએ હાથ પગ પકડી રાખ્યા હતા. ચોથાએ મોઢું દબાવીને અવાજ કરોગે તો ગલા કાટ દેંગે તેમ કહીને તેમને ડરાવ્યા હતા. લૂંટારુઓએ નાણાં અને દાગીના માગતા નરેશ પટેલે હાલ કંઇ ન હોવાનું કહેતા તેમને છરો બતાવીને ડરાવ્યા હતા. બાદમાં લૂંટારુઓએ ત્રણ ઘા મારીને કબાટમાં પડેલા એક લાખ લૂંટી લીધા હતા. જે બાદ લૂંટારુઓ બંગલોના બેઝમેન્ટમાં આવેલા હોમ થિયેટરમાં તેમને લઇ ગયા હતા. જ્યાં નરેશભાઇના ફીંગરપ્રિન્ટથી તિજોરીનું લોક ન ખૂલતા ચારેય ભેગા મળીને મૂઢમાર માર્યો હતો. દરમિયાન નરેશભાઇએ બીજા દિવસે નાણાં ટ્રાન્સફર કરવાનું કહેતા લૂંટારૂઓએ કાલે પડીકામાં રૂપિયા મૂકીને ઘરની પાછળ ફેંકી દેજે અમે લઇ જઇશું તેમ કહીને નાસી ગયા હતા. લૂંટારુઓએ જતા જતા પોલીસ કેસ કરોગે તો વાપીસ આકે તુમ કો ઔર પરિવાર કો માર દેંગે. ઔર પકડે ગયે તો જેલ સે છૂટકે આકે તુમ્હે છોડેંગે નહીં તેવી ધમકી આપીને પંદરા મિનિટ તક હિલે તો આકે માર દેંગે તેવી ધમકી આપીને નાસી ગયા હતા. થોડી વાર સુધી નરેશભાઈ બેસી રહ્યા હતા જે બાદ ઉપરના રૂમમાં જઈને પત્ની અને દીકરાને જગાડીને આ અંગે જાણ કરી હતી. નરેશ પટેલે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. આ મામલે સરખેજ પોલીસે 1.25 લાખની લૂંટ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નરેશ પટેલે લૂંટ મામલે તેમના ઘરમાં કામ કરતા ઘરઘાટી રાહુલ પર પણ શંકા વ્યક્ત કરી છે જેની પોલીસ તપાસ કરી રહી છે.

Exit mobile version