Site icon Revoi.in

પાલનપુર-અમદાવાદ હાઈવે પર નકલી પોલીસના સ્વાંગમાં લૂંટ કરનારો આરોપી પકડાયો

Social Share

પાલનપુર, 18 જુન, 2026 : Accused of robbery case arrested  બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને વાહન રોકાવી લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો.  પોલીસે લૂંટમાં ગયેલા રૂપિયા 1.30 લાખના આઈફોન સહિત કુલ ₹11.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ બનાવની વિગત એવી હતી કે, પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરકાવાડા ગામ નજીક ભારત પેટ્રોલિયમ પંપ સામે ગત 11 જૂન, 2026ના રોજ અજાણ્યા ઈસમોએ ફરિયાદીની ગાડી રોકાવી, રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મારઝૂડ કરી હતી. અને ગાડીમાંથી ₹50,000 રોકડા અને ₹1,30,000ની કિંમતનો આઈફોન 17 પ્રો મેક્સ મોબાઈલ ફોન મળી કુલ ₹1,80,000ની લૂંટ કરી હતી. આ અંગે છાપી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 310(2) અને 204 મુજબ ગુનો નોંધાયો હતો.

બનાસકાંઠા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કર્યું હતું. LCBની ટીમોએ પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર છાપીથી પાલનપુર સુધીના આશરે 150થી વધુ સી.સી.ટી.વી. કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી માહિતી એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં રાજસ્થાનના બાડમેરના ચોક્કસ માણસોની સંડોવણી જણાઈ આવતા PSI આર.બી. જાડેજાની ટીમે શેરપુરા ગામના પાટિયા પાસેથી દેવારામ નાથુરામ સાગરારામ મેઘવાલ (રહે. આગોર, તા.જી. બાડમેર, રાજસ્થાન) નામના આરોપીને દબોચી લીધો હતો. પોલીસે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ઈનોવા કાર અને લૂંટમાં ગયેલો આઈફોન-17 પ્રો મેક્સ મોબાઈલ ફોન (કિંમત ₹1,30,000) સહિત કુલ ₹11,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે પકડાયેલા આરોપીની પૂછતાછ કરતા એવી હકિકત જાણવા મળી છે કે,  આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ધનસિંહ રાજપૂત (રહે. ગંગાસરા, તા. ચૌહટન, રાજસ્થાન) છે. તેની સાથે તખતસિંહ રાજપૂત, જગમાલસિંહ, સ્વરૂપસિંહ, ફતેસિંહ અને વીરસિંહ રાજપૂત પણ આ ગુનામાં સામેલ હતા. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

Exit mobile version